- અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને કારના અકસ્માતની ચકચાર
- ગેટ પર કારની ટક્કર બાદ ડ્રાયવરનું ઘટનાસ્થળે જ મોત થયું
- આ ઘટના બાદ વ્હાઈટ હાઉસમાં ભારે હોબાળો થયો
અમેરિકામાં એક ઘટના ખૂબ ચર્ચામાં છે. ગત રોજ અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય એવા વ્હાઈટ હાઉસના ગેટ પર એક પૂરપાટ કારે ટક્કર મારી દીધી અને કારમાં સવાર ડ્રાયવરનું ઘટનાસ્થળે જ મોત થતા ભારે હોબાળો મચી ગયો છે. આ દુર્ઘટનામાં ડ્રાયવરના મોતને વ્હાઈટ હાઉસના અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી હતી. અમેરિકી ગુપ્તચર તંત્રએ એક નિવેદન આપ્યું હતું.
જેમાં રાત્રે લગભગ 10.30 વાગ્યે ‘વ્હાઈટ હાઉસ’ સંકુલના બાહ્ય પરિમિતિ પર એક વાહન અથડાયું હતું અને અકસ્માત બાદ ડ્રાઈવર વાહનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એજન્સીએ કહ્યું કે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે પરંતુ વ્હાઇટ હાઉસને કોઈ ખતરો નથી. મૃતક ડ્રાઇવરની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. પોલીસે હજુ સુધી આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી. આ ડ્રાઈવર કોણ હતો અને તે કાર લઈને અચાનક વ્હાઇટ હાઉસના ગેટ પર કેવી રીતે પહોંચ્યો? ગેટ સાથે વાહનની ટક્કર અકસ્માત હતો કે અથડામણ આયોજનબદ્ધ હતી તે અંગે પોલીસ હજુ કંઈ સ્પષ્ટ કરી રહી નથી.
ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકી સુરક્ષા એજન્સીએ કહ્યું કે સિક્રેટ સર્વિસ આ મામલાની તપાસ ચાલુ રાખશે. જ્યારે જીવલેણ અકસ્માત સ્થળની તપાસ વોશિંગ્ટન મેટ્રોપોલિટન પોલીસ વિભાગને સોંપવામાં આવશે.
આ ઘટનાથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો
રાત્રે વ્હાઇટ હાઉસના ગેટ સાથે કાર અથડાતા હોબાળો મચી ગયો છે. રાષ્ટ્રપતિ જો બિડેન તે સમયે વ્હાઇટ હાઉસમાં હતા કે બીજે ક્યાંય તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ આ ઘટનાએ અમેરિકામાં સૌથી સુરક્ષિત ગણાતા રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા છે.


