- સીએસઆઇએસ દ્વારા જારી થયેલા જાહેર અહેવાલ-2023માં થયા આક્ષેપ
- ચીન, રશિયા, ઇરાન અને ભારત દ્વારા આવી પ્રવૃત્તિ થઈ રહી હોવાના આક્ષેપ
- અહેવાલના આમુખમાં સીએસઆઇએસના વડાએ હરદીપસિંહ નિજ્જરની હત્યાનું ઉદાહરણ ટાંક્યું
કેનેડાની ગુપ્તચર એજન્સીએ ભારત પર દેશની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ અને જાસૂસી પ્રવૃત્તિ કરી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે. કેનેડા સુરક્ષા ગુપ્તચર એજન્સી સીએસઆઇએસ દ્વારા આ સપ્તાહે જારી થયેલા જાહેર અહેવાલ-2023માં આ આક્ષેપ કરવામાં આવ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને ચીન,રશિયા, ઇરાન અને ભારત કેનેડા અને પશ્ચીમના દેશોમાં દખલ અને જાસૂસી પ્રવૃત્તિ કરી રહ્યા છે. પોતાના હેતુ અને હિતોને સાધવા માટે વર્ષ 2023 દરમિયાન આ દેશો વિદેશી હસ્તક્ષેપ અને જાસૂસી પ્રવૃત્તિ કરતા રહ્યા હતા. અહેવાલના આમુખમાં સીએસઆઇએસના વડા ડેવિડ વિગનોલ્ટે ગયા વર્ષે 18 જુલાઈના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે ખાતે ખાલિસ્તાનના તરફદાર હરદીપસિંહ નિજ્જરની થયેલી હત્યાનું ઉદાહરણ પણ ટાંક્યું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા 18મી સપ્ટેમ્બરે સંસદમાં આપવામાં આવેલા નિવેદનને ટાંકતાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય એજન્ટ અને હત્યા વચ્ચે વિશ્વસનીય લિંક છે. સીએસઆઇએસના વડા ડેવિડ વિગનોલ્ટે એ બાબતની પણ નોંધ લીધી છે કે વડાપ્રધાન ટ્રૂડોએ કહ્યું હતું કે કેનેડાના નાગરિકની રક્ષા અને કેનેડાના સાર્વભોમત્વની રક્ષા તે પાયાની બાબત છે.
કેનેડા ભારત સરકારનું જવાબદેહ વલણ ઇચ્છે છે : કેનેડા
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટ્રૂડોએ નિવેદન આપ્યું તે પહેલાંં સીએસઆઇએસના વડા ડેવિડ વિગનોલ્ટ તેમ જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસ આ હત્યા બાબતે ચર્ચા કરવા ભારતની મુલાકાત લઈ ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે કેનેડા અને તેના સહયોગીઓ ઇચ્છે છે કે કેનેડાની ભૂમિ પર કેનેડાના નાગરિકની થયેલી હત્યાના કેસમાં સંડોવણી સંબંધમાં ભારત સરકાર જવાબદેહ વલણ દાખવે તેમ ઇચ્છે છે.


