- માલદીવમાંથી ભારતીય સૈન્ય તબીબોની ટુકડીને મુઈજ્જુ હટાવવા માગતા હતા
- માલદીવના સેનાએ મુઈજ્જુના નિર્ણનો વિરોધ કર્યો
- મુઈજ્જુએ ભારતીય સૈન્ય તબીબોને હટાવવાનો આખરે ઈરાદો બદલવો પડયો
ગત નવમી મેના રોજ 13 સૈનિકોની છેલ્લી ટુકડી માલદીવથી પરત આવી ગઈ છે. આની સાથે ભારતમાં તૈનાત તમામ 76 ભારતીય સૈન્ય સ્વદેશ આવી ગયા છે. સૈનિકો પરત આવવા 10મેની ડેડલાઈન અપાઈ હતી. માલદીવ સરકારે જણાવ્યું કે હવે તેમના દેશમાં ભારતીય સૈન્યના તબીબો જ છે.
માલદીવમાં સત્તા પર રહેલા ચીનના સમર્થક અને ભારત વિરોધી મોહમ્મદ મુઈઈજુની ભારત વિરુદ્ધ વધુ એક ચાલ સામે આવી છે. જો કે આ વખતે માલદીવની સેનાના વિરોધ બાદ મુઈજજુએ પીછેહઠ કરવી પડી હતી. માલદીવના રાષ્ટ્રપતિએ ભારતીય સૈન્ય અધિકારીઓ તેમજ ભારતીય સૈન્યના ડોક્ટરોને દેશમાંથી હાંકી કાઢવાની યોજના બનાવી હતી, પરંતુ મુઈજ્જુની પોતાની સેનાએ તેનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ મુઈજ્જુએ પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. મોહમ્મદ મુઈજ્જુની આ કપટી યોજના એવા સમયે સામે આવી છે જ્યારે માલદીવમાં તૈનાત તમામ ભારતીય સૈન્ય અધિકારીઓ પરત ફર્યા છે. માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવા માટે 10 મેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, માલદીવ સરકારે કહ્યું છે કે સેનાહિયામાં ડોક્ટર તરીકે કામ કરતા સૈનિકો સિવાય તમામ ભારતીય સૈનિકો માલદીવ છોડી ગયા છે. સરકારે કહ્યું કે કુલ 76 ભારતીય સૈન્ય અધિકારીઓ પરત ફર્યા છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ પ્રધાન મુસા ઝમીરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં કુલ 76 સૈન્ય કર્મચારીઓ છ અલગ-અલગ તારીખે માલદીવ છોડ્યા છે.
ભારતીય સૈનિકો ત્રણ જગ્યાએ તૈનાત હતા
માલદીવમાં હેલિકોપ્ટર અને એરક્રાફ્ટના સંચાલનમાં મદદ કરવા માટે 76 ભારતીય લશ્કરી અધિકારીઓ માલદીવમાં હાજર હતા. જેમાંથી 26 સૈનિકો અડ્ડુના ગાન આઇલેન્ડમાં હેલિકોપ્ટર ચલાવી રહ્યા હતા. લામુ કાદેધુ ખાતે 25 સૈનિકો હેલિકોપ્ટર ચલાવી રહ્યા હતા અને 25 સૈનિકો ધલ હનીમધુ ખાતે ડોર્નિયર એરક્રાફ્ટ ચલાવી રહ્યા હતા. ભારતે પોતે માલદીવને આ બે હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટ ભેટમાં આપ્યા હતા.
સૈન્યના કહેવા પર મિલિટરી ડોકટરો રોકાયા
વિદેશ મંત્રી મુસા ઝમીરે માલદીવમાં ભારતીય સેનાના ડોક્ટરોની હાજરીનો સ્વીકાર કર્યો અને કહ્યું કે તેઓ સપ્ટેમ્બર 2012થી સેનાહિયા મિલિટરી હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) એ તેમની મદદ માટે વિનંતી કરી હતી. મુસાએ કહ્યું, ‘જો તેમની (લશ્કરી ડૉક્ટરોની) હાજરી દેશની આઝાદીને અસર કરે છે, તો રાષ્ટ્રપતિ (તેમને હટાવવા માટે ભારત સરકારને વિનંતી કરવા માગે છે, પરંતુ અત્યારે તેની કોઈ જરૂર નથી.’
મુઈજ્જુ ટૂંક સમયમાં ભારત આવશે
વિદેશમંત્રી મુસા ઝમીરે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ મુઈજ્જુ ટૂંક સમયમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. નવી દિલ્હીની મુલાકાત દરમિયાન મુસા ઝમીરે કહ્યું, ‘અમે દિલ્હીની મુલાકાત અંગે ચર્ચા કરી હતી, પરંતુ બંને પક્ષોની સુવિધા માટે અમે વિચાર્યું કે તેમાં થોડો વિલંબ કરવો વધુ સારું રહેશે. વાસ્તવમાં આજે પણ વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની અમારી ચર્ચા દરમિયાન અમે રાષ્ટ્રપતિની ટૂંક સમયમાં દિલ્હીની મુલાકાત અંગે ચર્ચા કરી રહ્યા છીએ. તેમણે આશા વ્યક્ત કરી કે આ ટૂંક સમયમાં થશે.


