એન્જીનિયરીંગ કોલેજોમાં ૧ લાખ સુધીની ફી જયારે ખાનગી યુનિવર્સિટીઓમાં ૨.૫૦ લાખ સુધીની ફી
સરકારના ચાર હાથ માથે હોવાથી રાજયની છ યુનિવર્સિટીઓ બેફામ બની
રાજયમાં ખાનગી યુનિવર્સિટી અને શાળા કોલેજોને જાણે ઊંચી ફી ઉઘરાવવાનો પીળો પરવાનો મળ્યો હોય તેવુ ચિત્ર ઉપસી આવ્યું છે. સ્કુલ ઓફ એકસેલન્સ હેઠળ ખાનગી યુનિવર્સિટીઓ પોતાને મન ફાવે તે મુજબ ફીના ઉઘરાણા કરી રહી છે. એન્જીનિયરીંગ કોલેજોમાં એક વર્ષની એક લાખ ફી છે. જયારે સરકારે પરવાનગી આપતા છ ખાનગી યુનિવર્સિટીઓ રૂ.અઢી લાખ જેવી તોતીંગ ફીના ઉઘરાણા કરી રહી છે. સેન્ટર ઓફ એકસેલન્સના નામે યુનિવર્સિટીઓમાંથી એફઆરસી રદ કરવામાં આવી હોવાથી ખાનગી યુનિવર્સિટીઓ ત્રણ-ત્રણ ચારગણી ફી વસુલી વિદ્યાર્થીઓને લૂંટી રહી હોવાનો ઘાટ સર્જાયો છે.
રાજ્ય સરકાર કક્ષાએ જ ખાનગી યુનિવર્સિટીઓને મનફાવે તેવી ફી ઉઘરાવવાની છુટ આપવા બાકાયદા કાયદાકીય રસ્તો કાઢી આપવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે. વગદાર અને મોટી રાજકીય ઓથ ધરાવતી ખાનગી યુનિવર્સિટીઓને ફી રેગ્યુલેટરી કમિટીની બહાર કાઢવા માટે પણ સેન્ટર ઓફ એકસેલન્સનું ગતકડુ ઉભુ કરાયું હોવાની છાપ ઉપસી રહી છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે 1-જૂન 2021નાં રોજ રાજ્યની 7 યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એકસલન્સ આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ તે અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ન હતો. આ અંગે ભાજપની જ વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પણ રજૂ કરાયો હતો. એબીવીપી દ્વારા કહેવાયું હતું કે ફકત રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને જ સેન્ટર ઓફ એકસલન્સમાં સમાવવામાં આવી છે. સરકારી એક પણ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી. પરિણામે બે વર્ષ સુધી આ મુદ્દે કોઈપણ પરિપત્ર બહાર પડાયો ન હતો. પરંતુ ગયા વર્ષે 7- માર્ચ 2023નાં રોજ નોટીફીકેશન બહાર પાડીને સરકારે 7 યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એકસલન્સનો કાયદેસર દરજ્જો આપી દીધો હતો. જેનાથી તે યુનિવર્સિટીમાં ચાલતી કોલેજોના એન્જીનીયરીંગ, આર્કીટેક અને ફાર્માસી જેવા અભ્યાસક્રમોમાં મસમોટી ફી વસૂલી શકાય છે અને આ યુનિવર્સિટીઓને સરકાર દ્વારા બનાવવામાં આવેલી ફી નિયમન કમીટીની જોગવાઈઓ પણ લાગુ પડતી નથી.
આ વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા જેટલું ઉંચુ રિઝલ્ટ આવતાં કુલ 91625 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાંથી એ ગ્રુપ કે એ, બી ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ પાસ કરનારા વિદ્યાર્થીઓ સ્વભાવિક રીતે ઈજનેર બનવાનું સ્વપ્ન સેવતાં હોય છે અને તેમના વાલીઓ પણ તે માટે નાણાંકીય ખર્ચ ભલે થાય પરંતુ સંતાનોના શિક્ષણ માટે લોન લઈને પણ ફી ભરતાં હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે એન્જીનીયરીંગ કોલેજોની ફી રેગ્યુલેટરી કમીટી દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. ફી રેગ્યુલેટરી કમીટી દ્વારા વર્ષ 2023-24 માટે સૌથી વધુ વાર્ષિક ફી પૈકી સાર્વજનિક કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીની ફી 1.28 લાખ અને એડીઆઈટી-વિદ્યાનગરની ફી 1.14 લાખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા એન્જીનીયરીંગ અભ્યાસક્રમ માટે આ ફી સવા બે થી અઢી લાખ રૂપિયા સુધી ઉઘરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓના વાલીઓને આટલી તોતીંગ ફી છતાં કઈ પણ ફી નિયમન ન હોવાથી કયાય પણ રજૂઆત પણ કરી શકાતી નથી.


