- માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પહેલીવાર ભારતના હિતમાં લીધો નિર્ણય
- એક વર્ષ પહેલા ભારતીય જહાજને જપ્ત કરી 2.25 કરોડનો દંડ લગાવ્યો હતો
- માલદીવ મરિને ગયા વર્ષે ભારતીય જહાજ જપ્ત કર્યું હતું
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પ્રથમવાર ભારતના હકમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુઈજ્જુ કાર્યાલયે ભારતીય જહાજ પર લગાવેલ 2.25 કરોડ રૂપિયાનો ભારે ભરખમ દંડ પણ માફ કરી દીધો છે. વળી આ ભારતીય જહાજને માલદીવ છોડવા મંજૂરી પણ આપી દીધી છે. મળતી માહિતી અનુસાર માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સના કોસ્ટ ગાર્ડે ગત વર્ષે 28 ઑક્ટોબરે ભારતીય જહાજ હોલી સ્પિરિટને જપ્ત કરી ભારતીય જહાજ પર વિશેષ આર્થિક ક્ષેત્રમાં માછીમારી કરવાનો આરોપ મુકી દીધો હતો. એ સમયે માલદીવમાં ઈબ્રાહિમ સોલિહની સરકાર હતી.
મુઈજ્જુએ વહાણનો દંડ માફ કરી દીધો
જહાજ પકડાયા બાદ માલદીવના ફિશરીઝ મંત્રાલયે તેના ઓપરેટર એન્ટની જયાબાલન પર 42 લાખ માલદીવિયન રૂપિયાનો દંડ ફટકાર્યો હતો એટલે કે ભારતીય 2.25 કરોડ રૂપિયા. જહાજના ઓપરેટરે દંડ માફ કરવાની વિનંતી કરી હતી, પરંતુ અગાઉની સરકારે વિનંતી નહોતી સ્વીકારી. મળતી માહિતી અનુસાર, મુઈજ્જુ સરકાર સત્તામાં આવ્યા પછી રાષ્ટ્રપતિ કાર્યાલયે 10 માર્ચે દંડ માફ કર્યો અને જહાજને દેશ છોડવાની મંજૂરી આપી.સાત દિવસ પછી જહાજ માલદીવથી રવાના થયું હતું.
કેસ પાછો કોર્ટમાં લઈ ગયો
અગાઉ, માલદીવના ફિશરીઝ મંત્રાલયે દંડની રકમ ચૂકવવા માટે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જો કે, જ્યારે રાષ્ટ્રપતિ કાર્યાલયે દંડ માફ કર્યો,ત્યારે મંત્રાલયે તેને પાછો ખેંચવા કોર્ટને વિનંતી કરી.જહાજના ઓપરેટર જયબાલને જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસે આ મુદ્દાને ઉકેલવામાં કોઈ મદદ કરી નથી. જો કે, એ સ્પષ્ટ નથી કે ભારતીય દૂતાવાસે આ મામલે માલદીવ સરકારનો ત્યારબાદ સંપર્ક કર્યો હતો કે કેમ.


