- વર્ષ-2050 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 52.5 ટ્રિલિયન ડોલરની થશે
- અમેરિકાની માથાદીઠ જીડીપી ભારત કરતાં આઠ ગણી હશે
- આઈએમએફ અને ક્રિસિલ જેવી રેટિંગ એજન્સીઓએ ભારતના અર્થતંત્રની પ્રશંસા કરી
દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અર્થતંત્રને લઈને એક સારા સમાચાર આવ્યા છે. વિવિધ રેટિંગ એજન્સીઓએ ભારતના વખાણ કર્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), યુનાઈટેડ નેશન્સ અને રેટિંગ એજન્સી (ક્રિસિલ) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થા જે ગતિએ આગળ વધી રહી છે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.
દેશના જીડીપી વૃદ્ધિ દરને જોતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અંદાજ છે કે 2050માં ભારત વિશ્વ પર રાજ કરશે. ભારતની સાથે ચીન અને અમેરિકા પણ હશે અને આ ત્રણેય વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એક તરફ ચીન અને ભારતની અર્થવ્યવસ્થા વધશે તો બીજી તરફ અમેરિકાની અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળશે અને તે પ્રથમથી ત્રીજા સ્થાને સરકી જશે.
કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ અનુસાર, વિશ્વની સૌથી મોટી મહાસત્તા તરીકે અમેરિકાનો તાજ 2032માં જ ચીન પોતાના હાથમાં લેશે. લગભગ એક સદી સુધી નંબર વન પર રહ્યા બાદ તે નીચે આવશે. કાર્નેગી એમ પણ કહે છે કે જો ભારત અને ચીન અમેરિકાને પછાડે તો પણ તેની તાકાત બંને દેશો કરતાં અનેક ગણી વધારે હશે.
અમેરિકા વિશ્વનું નેતા રહેશે
મળતી માહિતી અનુસાર, વર્ષ-2050 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 52.5 ટ્રિલિયન ડોલરની, ચીનની અર્થવ્યવસ્થા 57.5 ટ્રિલિયન ડોલરની અને અમેરિકાની અર્થવ્યવસ્થા 51.5 ટ્રિલિયન ડોલરની હશે. જીડીપીમાં આટલા મોટા ફેરફાર પછી પણ અમેરિકાની તાકાત ચીન અને ભારત કરતા અનેક ગણી વધારે હશે. નિષ્ણાતો કહે છે કે અમેરિકાની માથાદીઠ જીડીપી ભારત કરતાં આઠ ગણી અને ચીન કરતાં ત્રણ ગણી હશે.
ભારત, ચીન અને અમેરિકા G-20 દેશોની કુલ GDP કરતાં વધુ હશે
રિપોર્ટ અનુસાર,050 સુધીમાં ભારત, ચીન અને અમેરિકાનો GDP એટલો વધી જશે કે જો અન્ય G-20 દેશોની GDP ઉમેરવામાં આવે તો પણ અનેક ગણો તફાવત જોવા મળશે. ત્રણ દેશોનો કુલ જીડીપી આંકડો બાકીના જી-20 દેશોના કુલ જીડીપી કરતાં 70 ટકા વધુ હશે.
ભારત સૌથી ઝડપી વિકાસ કરશે
નિષ્ણાતોનો અંદાજ છે કે ચીનના 5.6 ટકા વાર્ષિક વૃદ્ધિ દર અને તેની ચલણની મજબૂતાઈને કારણે તે આગામી છ વર્ષમાં અમેરિકાને પાછળ છોડી દેશે. ડોલર સામે ચીની ચલણ રેમિનીનો વિનિમય દર દર વર્ષે 1 ટકાના દરે વધશે. આ ફેરફારો સાથે, ચીન 46.3 ટ્રિલિયનનું ડોલરનું અર્થતંત્ર બની જશે, જે 2009માં 3.3 ટ્રિલિયન ડોલર હતું. ગોલ્ડમૅન સૅશનો અંદાજ છે કે 2050 સુધીમાં ચીનની અર્થવ્યવસ્થા 57 ટ્રિલિયન ડોલરની હશે. તે જ સમયે, ભારતના જીડીપીનો વિકાસ દર 5.9 ટકા રહેવાનો અંદાજ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જી-20 દેશોમાં ભારતનો જીડીપી સૌથી ઝડપથી વધશે.


