- ઇરાનના રાષ્ટ્રપતિ સહિત હેલિકોપ્ટર ક્રેશમાં 9ના મોત
- ઇરાનના સર્વોચ્ચ નેતાએ ચૂંટણી તારીખોને લઇને આપી જાણકારી
- અયાતુલ્લા ખામેનેઇના ઉત્તરાધિકારી કોણ બનશે?
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી અને વિદેશમંત્રી અમીર અબ્દુલ્લાહિયન સહિત 9 ઇરાની અધિકારીઓના હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયા છે. જેને લઇને ઇરાનમાં અસ્થિરતા ઉભી થઇ ગઇ છે. આ વચ્ચે ઇરાનના સર્વોચ્ચ નેતા અને ધર્મ ગુરુ અયાતુલ્લા ખામેનેઇનું નિવેદન સામે આવ્યું છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને તારીખ જાહેર
તેમણે કહ્યું કે રઇસીના મોતથી દુઃખ જરૂર છે પરંતુ કામ પ્રભાવિત નહી થાય. સરકારી મીડિયાએ તેમના હવાલાથી જાણકારી આપી છે કે 28 જૂને રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થશે. ઇરાનને રઇસી બાદ એવા ચહેરાની જરૂર છે જે ખામેનેઇનો વફાદાર હોય. જેથી તેઓ ભવિષ્યમાં ખામેનેઇની જગ્યા લઇ શકે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી સહિત કુલ 9 લોકોના મોત બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ન્યાયતંત્ર, સરકાર અને સંસદના વડાઓની બેઠકમાં ચૂંટણી તારીખને મંજૂરી આપવામાં આવી હતી. મીટિંગ મુજબ, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 14મી રાષ્ટ્રપતિની ચૂંટણી 28 જૂને યોજાશે.
ખામેનેઇના ઉત્તરાધિકારી કોણ ?
જ્યારે 63 વર્ષીય રઇસીએ 2021 માં ઈરાનના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, ત્યારે તેમને આયાતુલ્લાહ ખામેનેઇના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા હતા. તેમના મૃત્યુથી ચોક્કસપણે ઇસ્લામિક રિપબ્લિકમાં રાજકીય અનિશ્ચિતતાનો સમયગાળો શરૂ થયો છે, પરંતુ તાત્કાલિક રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરીને, ઈરાને બતાવ્યું છે કે તેમના દેશમાં કામ પર કોઈ અસર થશે નહીં. જો કે, ઈરાનને હવે નવા રાષ્ટ્રપતિ માટે એક રૂઢિચુસ્ત ચહેરાની જરૂર છે જે માત્ર ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે જ નિયુક્ત ન થઈ શકે પણ ખમેનેઈને વફાદાર પણ હોય. આ કારણ છે કે 85 વર્ષના થઈ ચૂકેલા ખામેનેઈ હવે તેમના નવા અનુગામીની શોધમાં છે, જે ભવિષ્યમાં ધાર્મિક નેતાની ખુરશી પર તેમનું સ્થાન લેશે. 63 વર્ષીય રઇસીને ખામેનેઇના વિશ્વાસુ માનવામાં આવતા હતા. રાષ્ટ્રપતિ બનતા પહેલા રઇસીએ ન્યાયિક સેવામાં પણ કામ કર્યું હતું. આ પદ પર રહીને તેમણે ઘણા એવા નિર્ણયો લીધા જે આજે પણ વિવાદાસ્પદ છે. રાજકીય કેદીઓને ફાંસી આપવા બદલ રઇસીની દુનિયાભરમાં ટીકા થઈ હતી.


