- અમેરિકન યુવક કે યુવતી સાથે લગ્ન કરવાથી ફ્ક્ત ત્રણ વર્ષ પછી ત્યાંની નાગરિકતા મળી શકે છે
- અમેરિકાનાં કાયદા મુજબ ક્વૉટા સિસ્ટમ ભારતીયોનાં સપના પૂરાં કરવામાં અવરોધક
- અમેરિકામાં પાંચ વર્ષ રહી ચૂકેલા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે
અમેરિકામાં નોકરી કરી રહેલા 12 લાખ ભારતીયો દ્વારા ગ્રીન કાર્ડ મેળવવા અરજી કર્યાને કેટલાક વર્ષ વીતિ ગયા આમ છતાં તેમને ગ્રીન કાર્ડ મેળવવામાં હજી નિરાશા જ મળી છે. તેમનો વેઈટિંગ પિરિયડ વધી રહ્યો છે. 12 લાખ ભારતીયોમાં તેમનાં ડિપેન્ડન્ટસનો પણ સમાવેશ થાય છે. ગ્રીન કાર્ડ માટે રાહ જોનારાઓમાં મોટાભાગે પ્રોફેસર, રિસર્ચર, મલ્ટિનેશનલ કંપનીઓનાં એક્ઝિક્યુટિવ અને મેનેજર્સ તેમજ આઈટી પ્રોફેશનલ્સ સામેલ છે. ફોર્બ્સનાં રિપોર્ટમાં આ વિગતો અપાઈ છે. USCISનાં જણાવ્યા મુજબ હાલ અમેરિકામાં નોકરી આધારિત ગ્રીન કાર્ડ મેળવવાનું મુશ્કેલ છે. અમેરિકામાં જેઓ ગ્રીન કાર્ડ ધરાવે છે તેમને ત્યાં કાયમી વસવાટ માટે તેમજ ત્યાં કામ કરવાની કે જૉબ કરવાની યોગ્યતા મળે છે. USCIS દ્વારા કોઈપણ વ્યકિતને ત્યાં કાયમી વસવાટ કરવા માટે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ આપવામાં આવે છે. જેને સામાન્ય રીતે ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. જો કે અમેરિકાનાં કાયદા મુજબ દરેક દેશનાં લોકોને ક્વૉટા મુજબ ગ્રીન કાર્ડ અપાય છે તેથી ભારતીયોનાં સપના પૂરા થવામાં તે અવરોધરૂપ છે.
ઈગલ એક્ટ વેઈટિંગ પિરિયડ ઘટાડે તેવી આશા
અમેરિકાની સરકારે ઈમિગ્રન્ટસ વિઝા પ્રોસેસ સુધારવા અને ગ્રીન કાર્ડનું વેઈટિંગ ઘટાડવા ઈક્વલ એક્સેસ ટૂ ગ્રીન કાર્ડસ ફોર લીગલ એમ્પલોયમેન્ટસ EAGLE) એક્ટ 2022નો અમલ કરવાનું નક્કી કર્યું છે. જેનો અમલ કરતા 9 વર્ષ લાગશે. એનાંથી અમેરિકામાં કોઈપણ વ્યકિત રોજગારથી વંચિત રહે નહીં તે જોવાશે. અમેરિકાની સંસદ કવૉટા સિસ્ટમ બદલાવે તે પછી નવું બિલ પાસ થયા બાદ કંપનીઓ દેશને આધારે નહીં પણ યોગ્યતાને આધારે નોકરીમાં રાખશે અને તેને આધારે ગ્રીન કાર્ડ અપાશે.
કેટલો છે ગ્રીન કાર્ડનો દેશ દીઠ ક્વૉટા?
USCISનાં જણાવ્યા મુજબ દરેક દેશ માટે દર વર્ષે ગ્રીન કાર્ડ આપવા ક્વૉટા નક્કી કરાયો છે જેમાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડની વાર્ષિક લિમિટ 1,40,000 છે. દરેક દેશનો ક્વૉટા 7 ટકા છે. આથી ભારત અને ચીનનાં લોકોની સંખ્યા વધારે હોવાથી તેમણે વધુ રાહ જોવી પડે છે.
યુએસમાં 21 લાખ ભારતીયો રાહ જુએ છે
જો અમેરિકાની સંસદ દ્વારા દેશ આધારિત ક્વૉટાનાં મામલે જલદીથી દરમિયાનગીરી કરવામાં નહીં આવે તો રાહ જોનારા ભારતીયોની સંખ્યા વધી શકે છે. એક અંદાજ મુજબ 2030 સુધીમાં અમેરિકામાં નોકરી કરતા અને ગ્રીન કાર્ડ માટે રાહ જોનારાની સંખ્યા 21 લાખને પાર જઈ શકે છે. આ સૌને ગ્રીન કાર્ડ મળતા 200 વર્ષ લાગી શકે છે.


