રાજકોટની અગ્રીમ બેંકોનાં અધિકારીઓ સાથે કલેકટર પ્રભવ જોશીએ યોજેલી બેઠક
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં રૂ. ૧૦ નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોઈ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને રૂ. ૧૦ ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેન્કના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેકટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂ. ૧૦ નો સિક્કો ભારત સરકાર અને આર.બી.આઈ. દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે. જેનો વ્યવહાર કાયદેસર છે. જેથી કરીને લોકો, વ્યાપારીઓ નિઃસંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. તેમજ બેન્ક પણ રૂ. ૧૦ ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં. તમામ બેંકોમાં રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકાય છે તેમ કલેકટરે લોકોને વિશ્વાસ આપતાં જણાવ્યું હતું.
કલેકટરે આ બાબતે સંપૂર્ણ સહકાર આપવા બેન્કના અધિકારીઓનેજણાવ્યુંહતું.બેન્કનાઅધિકારીઓના જણાવ્યા મુજબ રૂ. ૧૦ ના સિક્કા બેન્ક દ્વારા હાલ ચલણમાં છે જ. તેમજ કોઈપણ વ્યાપારી બેન્કોમા રૂ. ૧૦ ના સિક્કા જમા કરાવી શકે છે.રૂ. ૧૦ નો સિક્કો વ્યાપક પ્રમાણમાં વ્યવહારમાં આવતાં છુટ્ટા રૂપિયાની સમસ્યા પણ હલ થઈ જશે તેમ કલેકટરશ્રીએ જણાવી રૂ. ૧૦ ના સિક્કાનું સર્ક્યુલેશન વધે તે માટે સર્વેને રોજીંદા વ્યવહારમાં સિક્કાની લેણ-દેણ વ્યાપક બનાવવા અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં એસ.બી.આઈ. ના લીડ બેન્કના મેનેજર નરેન્દ્ર સોલંકી, કરુણાકર બિસ્વાલ સહીત અગ્રણી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રૈયા રોડ ઉપર કેટલીક દુકાનોમાં ચાલતા સીક્કા
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી 10 રૂપિયાની નોટો બજારમાં ઓછી જોવા મળે છે તેમજ રદ્દી જેવી હોવાના કારણે રૈયા ચોકડી પછીના વિસ્તારમાં કેટલાક દુકાનદારોએ રૂપિયા 10 ના સિક્કા વેપારીઓ દ્વારા રૂપિયા 10 ના સિક્કાની લેતી દેતી કરવામાં આવી રહી છે.
વેપારીઓ શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી રૂપિયા 10 ના સિક્કા લેવાની ના પાડતા હતા
રાજકોટ શહેરમાં વેપારીઓ,રીક્ષા ચાલકો તથા છુટક શાકભાજી ના ફેરિયાઓ દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષથી રૂપિયા 10 ના સિક્કા લેવાની ધસીને ના પાડી દેતા હતા. જેના કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવી પડતી હતી.
સૌરાષ્ટ્ર સહિત વિવિધ શહેરમાં ચાલતું સીક્કાનુ ચલણ
સૌરાષ્ટ્રના શહેરોને બાદ કરતાં રાજયના મોટાભાગના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા 10 ના સિક્કા વેપારી દ્વારા લેવામાં આવી રહ્યા છે માત્ર સૌરાષ્ટ્રમાં આ સિક્કાનું ચલણ નથી.
10 રૂપિયાના સિક્કા કેમ નથી ચાલતા?
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી 10 રૂપિયાના સિક્કાને લઈને અફવાઓ ચાલી રહી છે. મોટાભાગના લોકો એવું માને છે કે 10ના નકલી સિક્કા બજારમાં ફરી રહ્યા છે. 10ના સિક્કા નકલી હોવાના ભ્રમને કારણે લોકો કે વેપારી 10નો સિક્કો સ્વીકારતા નથી. બેંકમાં પણ 10ના સિક્કા જમા કરાવનારને અનેક મુશ્કેલીઓ પડતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.


