- બાંગ્લાદેશના સાંસદનો મૃતદેહ અત્યાર સુધી નથી મળી આવ્યો
- કોલકાતામાં બાંગ્લાદેશના સાંસદની ગળું દબાવીને હત્યા કરાઈ હતી
- બાંગ્લાદેશની કોર્ટે આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પાડોશી દેશ બાંગ્લાદેશની કોર્ટે અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમ અનાની હત્યાના ત્રણ શકમંદોને આઠ દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી આપ્યા છે. પોલીસે આ ત્રણેયની 10 દિવસની રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે માત્ર આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બાંગ્લાદેશની સત્તાધારી અવામી લીગ પાર્ટીના સાંસદ અનવારુલ અઝીમ અનારની તાજેતરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી.
સાંસદની કરપીણ હત્યા બાદ લાશના ટુકડા કર્યા હોવાનો ખુલાસો
મૃતક સાંસદ અનાર બાંગ્લાદેશની ઝેનાઈદેહ-4 સંસદીય બેઠકના સાંસદ હતા અને અવામી લીગના કાલીગંજ એકમના પ્રમુખ પણ હતા. તે 12 મેના રોજ સારવાર માટે કોલકાતા આવ્યો હતો, પરંતુ 13 મેથી ગુમ થઈ ગયો હતો. કોલકાતા પોલીસે તપાસના આધારે કહ્યું છે કે બાંગ્લાદેશી સાંસદની પહેલા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને પછી તેના શરીરના ટુકડા કરી જુદીજુદી જગ્યાએ ફેંકી દેવામાં આવ્યા હતા. અનવારુલ અઝીમ અનારનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. બાંગ્લાદેશ પોલીસે આ હત્યાના સંબંધમાં ઢાકામાંથી ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી, જેમની ઓળખ તનવીર, શિમુલ ભુયા, સિલિસ્તી રહેમાન તરીકે થઈ છે.
સાંસદની હત્યાનું આયોજન ત્રણ મહિના પહેલાં કરાયું હતું
બાંગ્લાદેશ પોલીસે જણાવ્યું હતું કે ભુઈયા પુરબો બાંગ્લાર કમ્યુનિસ્ટ પાર્ટીનો નેતા છે અને તેણે અમાનુલ્લાહના નામે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. આ પાસપોર્ટ લઈને તે કોલકાતા પહોંચ્યો હતો. અઝીમ અનારની હત્યાનું આયોજન બે-ત્રણ મહિના પહેલા કરવામાં આવ્યું હતું અને તેનો માસ્ટરમાઇન્ડ એમપીનો મિત્ર બાંગ્લાદેશી અમેરિકન નાગરિક અખ્તરુઝમાન શાહીન હોવાનું કહેવાય છે. હત્યા બાદ શાહી નેપાળ થઈને અમેરિકા પલાયન થઈ ગયો છે. ઝમીર અનારની હત્યા માટે અખ્તરુઝમાન શાહીને હત્યારાઓને 5 કરોડ રૂપિયા આપ્યા હતા. કોલકાતા પોલીસે બાંગ્લાદેશી સાંસદની હત્યા કેસમાં ઉત્તર-24 પરગણા જિલ્લામાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. તે વ્યવસાયે કસાઈ છે અને અનારની હત્યામાં પણ તેની સંડોવણી હોવાનું માનવામાં આવે છે.


