- પાકિસ્તાનમાં ઝનૂની ટોળાએ ખ્રિસ્તી સમુદાયના લોકોના ઘરને આગચંપી કરી
- ટોળાએ કરેલા હુમલામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
- પોલીસ સમયસર ઘટનાસ્થળે દોડી આવતા મોટી જાનહાનિ થતા બચી
પાડોશી દેશ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કટ્ટરપંથીઓના ટોળાએ ઈશનિંદાના આરોપ લગાવી ખ્રિસ્તી સમુદાયના લોકો પર હુમલો કર્યાનું સામે આવ્યું છે. સરગોધા જિલ્લાના મુજાહિદ કોલોનીમાં થયેલા હુમલામાં ખ્રિસ્તી સમુદાયના બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે સમય પર પહોંચી આખી સ્થિતિ સંભાળી લીધા બાદ સ્થિતિ થાળે પડી હતી.
પાકિસ્તાનના કટ્ટરવાદી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાનના કાર્યકરોની આગેવાની હેઠળના ટોળાએ ખ્રિસ્તી સમુદાયના લોકો પર હુમલો કર્યો અને તેઓની સંપત્તિને આગ ચંપી કરી હતી. પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભીડને વિખેરવા માટે પોલીસ ટુકડી મોકલવામાં આવી હતી. ધાર્મિક ગ્રંથનું અપમાન કરવાના આરોપમાં ટોળાએ ખ્રિસ્તી સમુદાયના કેટલાક ઘરોને ઘેરી લીધા હતા. ત્યારબાદ ટોળાએ લોકોને નિશાન બનાવીને હુમલો શરૂ કર્યો હતો. બાદમાં તેમના ઘરો અને માલ-મિલકતને સળગાવી દીધા હતા.
અધિકારીએ જણાવ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુજાહિદ કોલોનીમાં કેટલાક યુવકોએ આરોપ લગાવ્યો હતો કે એક વ્યકિતએ ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યું છે. આ પછી ભીડ એકઠી થઈ ગઈ હતી.


