- શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ
- ફાયર NOC નહીં હોવા છતાં ધમધમતું ફૂડ કોર્ટ
- હવે બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે કાર્યવાહી
ગત 25મી મેના રોજ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી જેમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ થઈ ગઈ. છેલ્લા કેટલાંક દિવસોથી ઠેર ઠેર તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે, સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અગ્રિકાંડ બાદ સફાળા જાગેલ સુરત તંત્ર દ્વારા એક ફૂડ કોર્ટ સીલ મારવામાં આવ્યું છે. જોકે, અહી ચોંકાવનારી વાત તો એ છે કે આ ફૂડ કોર્ટ સુરત મહાનગરપાલિકામાં સત્તાધારી પક્ષના દંડકનું છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં મહાનગરપાલિકાની કાર્યવાહી દરમિયાન ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યું છે. સુરત મનપામાં દંડક ધર્મેશ વાણિયાવાલાના ગેલેક્ષી સર્કલ પાસે આવેલ ફૂડ કોર્ટમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી કરવામાં આવતી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો જેને લઈને હવે તેને સીલ મારવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ‘લા પેન્ટોલા’ ફૂડ કોર્ટ ફાયર NOC નહીં હોવા છતાં બેરોકટોક ધમધમી રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા આ ફૂડ કોર્ટને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ, હવે તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા આખરે ચોથા દિવસે ફાયર વિભાગ દ્વારા આ ફૂડ કોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું છે.

ફાયર NOC નહીં હોવા છતાં બિન્દાસ ચાલતા ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું જ ‘લા પેન્ટોલા’ ફૂડ કોર્ટ આખરે સીલ મારવામાં આવતા મનપા કચેરીમાં કેવી લાલિયાવાડી ચાલતી હતી તેને લઈને ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


