- ઈસ્લામાબાદ હાઈકોર્ટને સરકારી વકીલને કહ્યું આઝાદ કાશ્મીર અમારી ભૂમિ નથી
- જમીન આપણી નથી તો સૈનિકો શા માટે ખડક્યા: ઈસ્લામાબાદ હાઈકોર્ટ
- પાકિસ્તાને જાતે સ્વીકાર્યું કે પીઓકે વિદેશી જમીન છે
પાકિસ્તાનના એક સરકારી વકીલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેને આઝાદ કાશ્મીર કહે છે, જેના પર હવે તેણે જ મોટું નિવેદન આપ્યું છે. ભારત તેને પોતાનું અભિન્ન અંગ માને છે. હવે પાકિસ્તાને પોતે સ્વીકાર્યું છે કે પીઓકે તેના અધિકારક્ષેત્રમાં નથી અને તે વિદેશી જમીન છે. વર્ષોથી ભારતથી વેર અને દુશ્મનાવટ રાખી અને આજે તેને જાહેરમાં સ્વીકારી દીધું કે પીઓકે તેની ભૂમિ નથી. જો કે આને લઈને આગામી સમયમાં પ્રત્યાઘાતો પડી શકે છે.
સરકારી વકીલે વટાણા વેરી નાંખ્યા
ફેડરલ પ્રોસીક્યુટર જનરલ એટલે કે, સરકારી વકીલ ઈસ્લામાબાદથી અપહરણ કરાયેલા કવિ અહેમદ ફરહાદ અંગે સરકારનો બચાવ કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે તે 2 જૂન સુધી ‘આઝાદ કાશ્મીર’માં રિમાન્ડ પર રહેશે. સરકારી વકીલે કહ્યું કે તેને ઈસ્લામાબાદ કોર્ટમાં રજૂ કરી શકાય નહીં કારણ કે આઝાદ કાશ્મીર અમારું નથી પરંતુ વિદેશી ક્ષેત્ર છે.
હાઈકોર્ટે પણ સવાલો કર્યા હતા
હાઈકોર્ટે સરકારી વકીલના દાવા પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે જો આઝાદ કાશ્મીર વિદેશી ક્ષેત્ર છે તો પાકિસ્તાની રેન્જર્સ પાકિસ્તાનથી અહીં કેવી રીતે ઘૂસ્યા?
પાકિસ્તાની પત્રકારે નારાજગી વ્યક્ત કરી હતી
પાકિસ્તાની પત્રકારે આ દાવા પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ દાવો ન્યાયિક વ્યવસ્થા અને ‘આઝાદ કાશ્મીર’ની સ્થિતિ પર ઘણા સવાલો ઉભા કરી રહ્યો છે. તેમણે કહ્યું કે જો આઝાદ કાશ્મીર આપણું નથી તો પાકિસ્તાનને વિદેશી ક્ષેત્રમાં સૈનિકો તૈનાત કરવાનો અને વહીવટ કરવાનો અધિકાર કેવી રીતે મળ્યો.


