- કુવૈતમાં આગ લાગવાથી 40 ભારતીયોના મોત
- છ માળની બિલ્ડિંગમાં રસોઇઘરમાં લાગી આગ
- બિલ્ડિંગમાં હતા 160 લોકો, મંગફ વિસ્તારનો બનાવ
કુવૈતમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગતા 40 ભારતીયોના મોત નીપજ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ મોટા ભાગના શ્રમિક હતા. કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં આ ઘટના બની હતી. 6 માળની ઇમારતના રસોડામાં આગ લાગી હતી. આ સમયે બિલ્ડિંગમાં 160 લોકો હાજર હતા. આ બધા એક જ સંસ્થામાં કામ કરતા હોવાની માહિતી મળી છે. ત્યારે આવો જાણીએ ખાડી દેશોમાં કેટલા ભારતીયો વસે છે.
ખાડી દેશોમાં સૌથી વધુ ભારતીયો
કામની શોધમાં વિદેશ જવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. હિંદુઓ પણ મુસ્લિમ કન્ટ્રીઝમાં કમાવવા માટે જઇ રહ્યા છે. તેમાં પણ સાઉદી અરબ, યુએઇ, કુવૈત, બહેરીન અને ઓમાનમાં સૌથી વધારે ભારતીય પ્રવાસીઓ રોજગારી મેળવવા જઇ રહ્યા છે. પહેલા કેરળના લોકોની સંખ્યા આ મામલે વધારે હતી પરંતુ હવે યુપી બિહારના લોકો સૌથી વધારે જઇ રહ્યા છે. છેલ્લા 7 મહિનામાં ભારતીય શ્રમિકોની સંખ્યામાં 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ઇસ્લામિક દેશોમાં 90 લાખ ભારતીયો રહે છે
લગભગ 90 લાખ ભારતીયો ખાડીના ઇસ્લામિક દેશોમાં રહે છે. તેમાંથી સૌથી વધુ 38 લાખ ભારતીયો UAEમાં રહે છે અને ત્યારબાદ 26 લાખ ભારતીયો સાઉદી અરેબિયામાં રહે છે. 2023માં, ભારતીયોએ વિદેશમાંથી કમાણી કરીને 125 અબજ ડોલર ભારતમાં મોકલ્યા હતા. આમાં સૌથી મોટો હિસ્સો ગલ્ફમાં રહેતા ભારતીયોનો હતો. 125 બિલિયન ડોલરમાંથી, એકલા UAEમાં રહેતા ભારતીયોનો હિસ્સો 18 ટકા છે.
UAEમાં સ્થળાંતર કરનારની સંખ્યા વધુ
વર્લ્ડ માઈગ્રેશન રિપોર્ટ 2024 અનુસાર, યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ભારતમાંથી સ્થળાંતર કરનારાઓ માટે સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. એક રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર ગયા વર્ષે 38 લાખ ભારતીયો UAEમાં રહેતા હતા. બીજા ક્રમે 27 લાખ લોકો અમેરિકામાં અને 25 લાખ લોકો સાઉદી અરેબિયામાં રહેતા હતા.
કેટલો મળે છે પગાર?
જોબ અને રિક્રુટમેન્ટ કંપનીના જણાવ્યા મુજબ દુબઈમાં કામદારોને મળતો સરેરાશ પગાર 2000 દિરહામ (દુબઈનું ચલણ) છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ પગાર 45,000 છે. જ્યારે 2023 માં UAE માં લઘુત્તમ વેતન 600-3000 દિરહામ પ્રતિ મહિને છે. ભારતીય રૂપિયામાં આ રકમ 13,000 રૂપિયાથી 68,000 રૂપિયા સુધીની છે. જો કે પગાર ધોરણ લાયકાત પર આધારિત છે.


