- ભારતના વિદેશ મંત્રાલયે ભારે નારાજગી દર્શાવી છે
- રશિયામાં નોકરી કરનાર ભારતીયોએ સાવધાની રાખવા નિર્દેશ આપ્યા
- ભારતે તાત્કાલિક અસરથી રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતી રોકવાની માંગ કરી
રશિયાની સેનામાં બે ભારતીય નાગરિકોની યુક્રેન યુદ્ધમાં મોત થયા હતા. જે બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ભારે નારાજદી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે આ અંગેની પુષ્ટિ કરી છે. સરકારે રશિયાની સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ રશિયન સૈન્યમાં ભારતીય નાગરિકોની ભરતી તરત રોકવાની માંગ કરી હતી. ભારતે કહ્યું કે જેટલા પણ ભારતીય રશિયન સેનામાં ભરતી છે તેને તરત પરત આવવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત મંત્રાલયે રશિયામાં નોકરી કરનાર નાગરિકોને સાવધાની રાખવા જણાવ્યું છે.
મોસ્કોમાં ભારતીય દૂતાવાસે રશિયાથી ભારતીય નાગરિકોના પરત ફરવાને લઈને દિલ્હીમાં રશિયન દૂતાવાસ અને રશિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી છે. ભારતે રશિયાને રશિયન આર્મીમાં ભારતીય નાગરિકોની કોઈપણ પ્રકારની ભરતી પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. આવી પ્રવૃત્તિઓ અમારી ભાગીદારી સાથે સુસંગત નથી.
રશિયન આર્મીમાં વિદેશી નાગરિકો શું કરે છે?
હકીકતમાં, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકોના મોતથી પરેશાન રશિયા વિદેશી નાગરિકોને સેનામાં ભરતી કરી રહ્યું છે. ભારતીય નાગરિકો ઉપરાંત મોટી સંખ્યામાં નેપાળીઓ પણ રશિયન સેનામાં કામ કરી રહ્યા છે. આ સિવાય આફ્રિકન દેશો અને પૂર્વ એશિયાઈ દેશોના નાગરિકો પણ રશિયન સેનામાં સામેલ છે. રશિયન સેનામાં વિદેશી નાગરિકોને મોટી જવાબદારીઓ આપવામાં આવી નથી. તેમનું કામ રશિયન સૈન્ય સાથે ફ્રન્ટ લાઇન પર લડવાનું અને સપ્લાય ચેઇન જાળવવાનું છે. આ સમયગાળા દરમિયાન, રશિયન નાગરિકોની સાથે, વિદેશી નાગરિકો પણ મૃત્યુ પામી રહ્યા છે. આ પહેલા પણ ભારતીય જવાનોના મોતના સમાચાર સામે આવ્યા છે.


