કટોકટી એ ભારતના લોકતંત્રના ઈતિહાસનો એક કાળો–કલંકિત અઘ્યાય હતો : ધારાસભ્ય ઉદય કાનગડ
કટોકટીના દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સહિત સંઘના પ્રચારકોએ ઈન્દિરા ગાંધીની સરકારના અત્યાચારો વિરૂધ્ધ ઘણાં આંદોલનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિધાનસભા-૬૮, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ તા.૨૫ જૂન કટોકટી દિવસ અંતર્ગત કટોકટી કાળને યાદ કરતા જણાવેલ કે તા.૨૫ જૂન ૧૯૭૫ના રોજ કોંગ્રેસ ધ્વારા દેશભરમાં કટોકટી લાદી લોકશાહીના મુલ્યોને ખતમ કરવામાં આવ્યા, અખબારો પર સેન્સરશીપ લાદવામાં આવી અને દેશભરમાંથી અનેક કાર્યકર્તાઓને કટોકટી હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા હતા.આ કાળા–કલંકિત દિવસને આજે ૫૧ વર્ષ પૂર્ણ થયા છે.તા.૨૫ જૂન, ૧૯૭૫ એ ભારતીય લોકશાહીના ઈતિહાસમાં એક એવી તારીખ છે, જેને દેશના બંધારણીય મૂલ્યો, નાગરિક સ્વતંત્રતા અને લોકશાહી પર થયેલા સૌથી મોટા પ્રહારોમાંની એક તરીકે યાદ કરવામાં આવે છે.
કટોકટી લાગુ કર્યા પછી કોંગ્રેસને અહેસાસ થયો હતો કે સંઘમાં કોંગ્રેસના અન્યાય સામે આંગળી ઉઠાવવાનું બળ અને ક્ષમતા છે એટલે કોંગ્રેસ સરકારે કાયરતાપૂર્ણ પગલું ભરીને સંઘ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ તમામ પ્રવૃતિઓ ચાલી રહી હતી ત્યારે સંઘના એક પ્રચારકે દેશમાં લોકશાહી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે રાતદિવસ એક કરવાનો નિર્ણય લીધો હતો અને આ માટે પોતાના જીવને જોખમમાં મૂકવાની પણ તૈયારી દાખવી હતી. તે કોઈ બીજા નહી પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. સંઘના અન્ય પ્રચારકોની જેમ નરેન્દ્રભાઈને પણ આંદોલનો, સંમેલનો, બેઠકો, સાહિત્યનું વિતરણ વગેરે વ્યવસ્થા માટે જવાબદારી સુપરત કરવામાં આવી હતી. જયારે પોલીસને સંઘની પ્રવૃતિઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે નરેન્દ્રભાઈએ ભૂગર્ભ પ્રવૃતિઓનું આયોજન કર્યું હતું.આ સમયે ગુપ્ત બેઠકો મણિનગરમાં યોજવામાં આવી હતી અને નરેન્દ્રભાઈએ આ કામને બહુ સરસ રીતે પાર પાડયું હતું. નરેન્દ્રભાઈ મોદીએ પ્રચારકો માટે નાણાકીય સહાયની વ્યવસ્થા કરવાની સાથે અન્ય દેશોમાં રહેતા ભારતીયો સુધી કટોકટીના અત્યાચારોની સાચી અને ખરી માહિતી પહોંચે તેવી સુનિશ્ચિતતા પણ કરી હતી. આમ કટોકટીના દિવસોમાં નરેન્દ્રભાઈ સહિત સંઘના પ્રચારકોએ ઈન્દિરા ગાંધીની સરકારના અત્યાચારો વિરૂધ્ધ ઘણાં આંદોલનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.


