- ઘરેથી માતા-પિતાને આપઘાત કરવા જાઉં છું કહીને નીકળ્યો હતો
- હાજર સિક્યુરિટી વાળાએ પૂછતા તેને વસ્ત્રાલ ગામમાં જવું છે તેમ જણાવ્યું હતું
- આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે
વસ્ત્રાલમાં હીરાબા સ્કૂલ સામે આવેલ મહાદેવ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષીય યુવકે ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. શનિવારે સવારે 12 વાગ્યાની આસપાસ યુવક સ્ટેશનની ગ્રીલ પર ચઢી ગયો અને પલભરમાં નીચે છલાંગ લગાવી દીધી હતી.
બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. સ્થાનિક પોલીસને બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના પરિવારજનોની ભાળ મેળવીને બનાવ અંગે જાણ કરી હતી. તેમજ યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસે મેટ્રો સ્ટેશન પર સિક્યુરિટીને પૂછતા સિક્યુરિટીએ જણાવ્યુ કે યુવક અહિ આંટા મારતો હોવાથી તેને પૂછતા તેને વસ્ત્ર્રાલ ગામમાં જવુ છે તેમ જણાવતો હતો. અમરાઈવાડીમાં રહેતો 20 વર્ષીય ધ્રુવ પરમાર તેના પરિવાર સાથે રહે છે. ત્યારે શનિવારે સવારે અગમ્ય કારણોસર ઘરેથી તેના માતાપિતાને હું આપઘાત કરવા જાઉ છુ કહીને નીકળ્યો હતો. જે બાદ તે હીરાબા સ્કુલ સામે આવેલ મહાદેવ મેટ્રો સ્ટેશન પાસે આવ્યો હતો અને ત્યાં આંટા મારતો હતો. જેથી ત્યાં હાજર સિક્યુરિટી વાળાએ પૂછતા તેને વસ્ત્રાલ ગામમાં જવું છે તેમ જણાવ્યુ હતુ. જે બાદ યુવક સ્ટેશનમાં ઉપર ગયો હતો. અને ઝંપલાવીને આપઘાત કર્યો હતો. 40 ફૂટની ઉંચાઈથી ધ્રુવ પરમારે છલાંગ લગાવતા આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા હતા. અને 108ને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ આટલી ઊંચાઈએથી પડવાના લીધે ધ્રુવ પરમારનું મૃત્યુ નીપજી ચૂક્યું હતું. આ અંગેરામોલ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.


