- 20 જુન સુધી ચોમાસું આગળ પહોંચી જશે
- ચોમાસાનું આગમન નબળુ થયું હોવાથી તેની ગતિ ધીમી
- રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે
રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી જોવા મળી રહી છે. આ સિવાય 20 જુન સુધી ચોમાસુ આગળ પહોંચી જશે. ચોમાસાનું આગમન નબળું થયું હોવાથી તેની ગતિ ધીમી હોવાનું જોવા મળી રહ્યું છે.
કયા વિસ્તારોમાં થશે વરસાદ
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ તૈયાર થઈ રહ્યો છે. આજે દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારીમાં આગાહી છે. તો સાથે જ વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં આગાહી જોવા મળી છે. આ સાથે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં આગાહી છે. દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઈકાલે ક્યાં ક્યાં નોંધાયો વરસાદ
ગઢડા શહેર અને ગામડા વિસ્તારમાં વરસાદના પગલે ચોમાસાનુ આગમન થતા ખેડૂતોમાં આશાનો સંચાર જોવા મળ્યો હતો. આ વરસાદના પગલે ગઢડા શહેર ઉપરાંત તાલુકાના રામપરા અને વાવડી ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રામપરા અને વાવડી ગામે પડેલા ધોધમાર વરસાદથી ખેતરમાં અને વોંકળામાં પાણી ભરાયા હતા. તેમજ ગઢડા પડવદર, ગુંદાળા, સમઢીયાળા, ઈંગોરાળા, ટાટમ, ગોરડકા, માંડવધાર, કેરાળા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે.
રવિવારે અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર યથાવત જોવા મળી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર યથાવત જોવા મળી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો અમદાવાદમાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.
અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો
હાલમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો લાઠીની ગાગડીયો નદીમાં પુર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છુટોછવાયો સામાન્ય વરસાદ પડશે. સારા વરસાદ માટે લોકોએ હજી થોડી રાહ જોવી પડી શકે છે. સૌથી વધુ અમરેલીના બાબરામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે.


