- ભારત, પાકિસ્તાન, સાઉદી અરબ, કેનેડા, ગ્રીસ સહિતના દેશોમાં ભીષણ ગરમી પડી રહી છે
- અમેરિકામાં ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે
- અમેરિકામાં હિટવેવને લીધે 60થી વધુ શહેરોમાં ગરમીનો પારો 40ની પાર
ભારત, સાઉદી, કેનેડા, ગ્રીસ, અમેરિકા સહિતના અનેક દેશોમાં લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીનો પારો એટલો ઊંચો પહોંચી ગયો છે કે ઘણી જગ્યાએ હીટવેવના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. હીટવેવને કારણે અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના 60થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 40ની ઉપર પહોંચી ગયો છે.
ભારતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જો કે એકલા ભારત જ નહિ પરંતુ સાઉદી અરબ, ગ્રીસ, પાકિસ્તાન સહિત અમેરિકા જેવા દેશો પણ ગરમીનો ભોગ બન્યા છે. જેના કારણે દેશના ઘણા ભાગોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં લોકો 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમીમાં જીવવા મજબૂર છે. પરંતુ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ઉનાળાની આ ગરમીનો સામનો કરી રહ્યું છે.
અમેરિકા, બ્રિટન, સુદાન, સાઉદી, પાકિસ્તાન સહિત અનેક દેશો આકરી ગરમીની લપેટમાં છે. હીટ વેવને કારણે અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના 60 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર ગયો છે, જેના કારણે 78 મિલિયન અમેરિકનો ભારે ગરમીની ઝપેટમાં છે.
ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે
અમેરિકાની વસ્તી 32 કરોડ છે, જેમાંથી 7.6 કરોડ લોકો એટલે કે 20 ટકા વસ્તી ગરમીનો સામનો કરી રહી છે. જો કે અમેરિકાની નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે મે-જૂન મહિનામાં તાપમાન આટલું ઊંચુ જાય છે, પરંતુ આ વખતે હીટ વેવની ગરમી ઘણી વધારે રહેશે અને તાપમાન લાંબા સમય સુધી આટલું ઊંચું રહી શકે છે. જોકે 19મી જૂનનો દિવસ જૂન મહિનામાં સૌથી ગરમ દિવસ હતો.
ભીષણ ગરમીનો પારો કેટલે પહોંચ્યો
શિકાગોમાં સોમવારે પારો 36.1 ડિગ્રી હતો, જ્યારે આજે (20 જૂન) થોડી રાહત છે, પારો 28 ડિગ્રીએ પહોંચી ગયો છે. પરંતુ મેઈન રાજ્યના ઘણા ભાગોમાં ગરમીનું પ્રમાણ હજુ પણ 37.7 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જે બાદ નેશનલ વેધર સર્વિસે કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે અમેરિકાના 58થી 60 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
સાઉદીથી કેનેડા સુધી કાળઝાળ ગરમીનો કહેર
હાલમાં સાઉદી અરેબિયામાં હજયાત્રા પૂર્ણ થઈ રહી છે. આ સમયે સાઉદી અરેબિયામાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. તાપમાન એટલું વધી ગયું છે કે લોકો ગરમીથી બળી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે હજ યાત્રાએ ગયેલા 577 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણાની સારવાર ચાલી રહી છે. માત્ર સાઉદીમાં જ નહીં પરંતુ કેનેડાના 4 રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગ્રીસમાં ટ્રેકિંગ કરવા ગયેલા 5 લોકોનાં ગરમીનાં કારણે મોત થયા છે. બ્રિટનમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


