- સોશિયલ મીડિયા યુવા વર્ગને, ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે : ડૉ. વિવેક મૂર્તિ
- સોશિયલ મીડિયા પર દિવસમાં ત્રણ કલાક વિતાવતા કિશોરોને ડિપ્રેશનનું બમણું જોખમ
- અમેરિકી સંસદે આવા વોર્નિંગ લેબલની આવશ્યકતા ધરાવતો કાયદો પસાર કરવાની જરૂર પડશે. ડૉ. મૂર્તિ
અમેરિકામાં ભારતીય મૂળના સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિએ માગ કરી છે કે સોશિયલ મીડિયા એપ્સ પર ચેતવણીનું લેબલ હોવું જોઈએ કે આ પ્લેટફોર્મ્સ યુવાનોને, ખાસ કરીને કિશોરોને નુકસાન પહોંચાડી શકે છે.
ડૉ. મૂર્તિએ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લખ્યું છે કે માત્ર ચેતવણીનું લેબલ સોશિયલ મીડિયાને યુવાનો માટે સુરક્ષિત બનાવશે નહીં પરંતુ તે ટોબેકો સ્ટડીઝના પુરાવામાં દર્શાવ્યા મુજબ જાગૃતિ વધારી શકે છે અને વર્તન બદલી શકે છે. અમેરિકી સંસદે આવા વોર્નિંગ લેબલની આવશ્યકતા ધરાવતો કાયદો પસાર કરવાની જરૂર પડશે. ડૉ. મૂર્તિ લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે કે સોશિયલ મીડિયા યુવા વર્ગને, ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ડૉ. મૂર્તિના મતે 1960ના દાયકામાં જેમ ટોબેકો પ્રોડક્ટ્સ હેલ્થ રિસ્ક તરીકે આઇડેન્ટિફાય થઈ હતી અને સિગારેટના પેકેટ પર વોર્નિંગ લેબલ ફરજિયાત થયા હતા તેમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ મેન્ટલ હેલ્થનું મોટું જોખમ નોતરી શકે છે. સોશિયલ મીડિયા પર દિવસમાં ત્રણ કલાક વિતાવતા કિશોરોને ડિપ્રેશનનું જોખમ બમણું થઈ જાય છે.
ડૉ. મૂર્તિએ તેમના લેખમાં ઉમેર્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સર્જન જનરલના એમ જણાવતા વોર્નિંગ લેબલની આવશ્યકતા હોવાનો સમય આવી ગયો છે કે સોશિયલ મીડિયા કિશોરો માટે માનસિક સ્વાસ્થ્યના નોંધપાત્ર નુકસાન સાથે સંકળાયેલું છે. સર્જન જનરલનું વોર્નિંગ લેબલ માતા-પિતા અને કિશોરોને નિયમિતપણે યાદ અપાવશે કે સોશિયલ મીડિયા સુરક્ષિત સાબિત થયું નથી. નોંધનીય છે કે અમેરિકાના કેટલાક સ્ટેટ્સ બાળકોને ચિંતા અને ડિપ્રેશન જેવી સોશિયલ મીડિયાની હાનિકારક અસરો અને તેના પરિણામે અન્ય માનસિક બીમારીઓથી બચાવવા માટે કાયદો પસાર કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. ન્યૂયોર્ક સ્ટેટના ધારાસભ્યોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે માતા-પિતાની સંમતિ વિના 18 વર્ષથી ઓછી વયના યૂઝર્સને એડિક્ટિવ અલ્ગોરિધમિક કન્ટેન્ટ પૂરું પાડવા પર પ્રતિબંધ માટે કાયદો પસાર કર્યો હતો.
સોશિયલ મીડિયા ટીનેજર્સ માટે કેવા જોખમો સર્જે છે?
સોશિયલ મીડિયાને ટીનેજર્સમાં ડિપ્રેશન, એંગ્ઝાયટી, અનિદ્રા સહિતની મેન્ટલ હેલ્થની સમસ્યાઓ સાથે સંબંધ હોવાનું ઘણા હેલ્થ રિપોર્ટ્સ સૂચવે છે. સોશિયલ મીડિયા સાઇબર ધમકીઓ માટેનું પ્લેટફેર્મ પણ બની શકે છે અને ઓનલાઇન પીછો કરવો, પજવણી સહિત સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઊભી કરી શકે છે. યૂઝર્સને સાઇબર હુમલા, હેકિંગ સહિતની ખોટી પ્રવૃત્તિઓનું જોખમ રહે છે.


