- ચૂંટણી નજીક આવતા જ યુએસએના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં જોવા મળ્યો ફેરફાર
- ડોનાલ્ડ ટ્રમ્પે ડિગ્રીની સાથે વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ મળે તેવો કર્યો વાયદો
- વર્ષ 2022માં લગભગ 65000થી વધુ લોકોએ અમેરિકાનું ગ્રીન કાર્ડ લીધું
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના માહોલમાં કેટલાક ફેરફાર સાથે જોવા મળી રહ્યા છે. જે મુદ્દાઓ પર પહેલા તેઓ આક્રમક વલણ દેખાડતા હતા, હવે તેવા મુદ્દાઓ પર તેમનું વલણ થોડુ બદલાયેલુ જોવા મળે છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે અમેરિકન કોલેજોમાંથી ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદેશી વિદ્યાર્થીઓને ઓટોમેટિક ગ્રીન કાર્ડ મળે. ‘ઓલ-ઈન’ નામના પોડકાસ્ટમાં ટ્રમ્પને અમેરિકામાં વધુ સારા અને પ્રતિભાશાળી લોકોને આમંત્રિત કરવાની કંપનીઓની યોજના વિશે પૂછવામાં આવતા તેમને આ જવાબ આપ્યો હતો. આ નિવેદન દ્વારા ટ્રમ્પે ગ્રીન કાર્ડ એટલે કે અમેરિકામાં સત્તાવાર રીતે રહેવાની પરવાનગી અંગે પોતાનું વલણ બદલી નાખ્યું છે.
2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પે અમેરિકામાં ઈમિગ્રન્ટ્સના પ્રવેશનો વિરોધ કર્યો હતો. તેમનું તાજેતરનું નિવેદન તેમના વલણથી તદ્દન વિરુદ્ધ છે. ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ઈમિગ્રન્ટ્સ પર ગુનાઓ કરવા, નોકરીઓ અને સરકારી સંસાધનોની ચોરી કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે તેઓ “આપણા દેશના લોહીમાં ઝેર ભેળવી રહ્યા છે.” તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો ચૂંટાઈને આવશે તો તેઓ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટા દેશનિકાલ અભિયાનનું નેતૃત્વ કરશે. આ રીતે બહારના લોકો વિરુદ્ધ પ્રચાર કરતા ટ્રમ્પ અચાનક બદલાઈ ગયા.
ટ્રમ્પના તેવર બદલાયા
ગુરુવારે એક ઈન્ટરવ્યુમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે મારે શું કરવું છે અને હું શું કરીશ, હું ઈચ્છું છું કે તમે જેવા અમેરિકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થાવ છો, તમારી ડિગ્રીની સાથે તમને અમેરિકામાં રહેવા માટે ગ્રીન કાર્ડ પણ મળવું જોઈએ. તેમણે કહ્યું કે આમાં જુનિયર કોલેજોને પણ સામેલ કરવામાં આવશે અને એમ પણ કહ્યું કે હું રાષ્ટ્રપતિ બન્યાના પહેલા દિવસથી જ આની પર કામ કરવાનું શરૂ કરીશ. મતલબ કે જો ટ્રમ્પ ચૂંટણી જીતે છે તો તે અમેરિકામાં ભણતા કે ભવિષ્યમાં ત્યાં જનારા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે અમેરિકાનું ગ્રીન કાર્ડ મુશ્કેલ કામ માનવામાં આવે છે.
અમેરિકાને પ્રતિભાશાળી લોકોની જરૂર
2017માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પે ‘બાય અમેરિકન અને હાયર અમેરિકન’નો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે અમેરિકામાં કામ માટે માત્ર અમેરિકન વર્કર્સને જ પ્રાધાન્ય આપવામાં આવે અને માત્ર ઉચ્ચ પગારવાળી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓ માટે જ બિઝનેસ વિઝા આપવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ વખતે ટ્રમ્પે કહ્યું છે કે તેમને કંપનીઓ માટે મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે અને તે લોકો સ્માર્ટ હોવા જોઈએ, દેશને આગળ લઈ જવા માટે તમારે પ્રતિભાશાળી લોકોની જરૂર છે.
દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જાય છે. 2023ના આંકડા અનુસાર લગભગ બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાંથી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે. અમેરિકામાં સૌથી વધુ ગ્રીન કાર્ડ લેનારા નાગરિકોમાં ભારત બીજા ક્રમે છે. CRS સર્વે મુજબ 2022માં લગભગ 65,960 લોકોએ અમેરિકાનું ગ્રીન કાર્ડ લીધું છે.


