- સતત ભારે વરસાદને લીધે નદીઓમાં ગાંડીતૂર બની વહી રહી છે
- મધ્ય અમેરિકામાં ભૂસ્ખલન, પૂર અને ભારે વરસાદને લીધે લોકો મુશ્કેલીમાં
- આલ્બર્ટો તોફાનને લીધે ઉત્તરી મેક્સિકો, મધ્ય અમેરિકા અને પનામા સુધી ભારે વરસાદની આગાહી
મધ્ય અમેરિકામાં કાળઝાળ ગરમી પછી હવે અલ્બર્ટો વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. સતત ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. તેમજ ભૂસ્ખલન અને નદીમાં પૂર આવવાથી ઘર તેમજ માનવ વસાહને ભારે નુકસાન વેઠવાની નોબત આવી છે. મૂશળધાર વરસાદ અને પૂરને લીધે અત્યાર સુધી 30 લોકો મોતને ભેટી ચુક્યા છે. જ્યારે યુએસ નેશનલ હરિકેન સેન્ટરની આગાહી છે કે દક્ષિણી મેક્સિકો અને ઉત્તરી મધ્ય અમેરિકામાં ભારે વરસાદ યથાવત્ રહેશે. જેનાથી અઠવાડિયાના અંત સુધી પનામા અને કોસ્ટારિકા સુધી વાવાઝોડું અને વરસાદ પડતા રહેશે.
અલ સાલ્વાડોરની નાગરિક સુરક્ષા એજન્સીના અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હવે લોકોએ જીવનની રક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમને જણાવ્યું કે સાલ્વાડોરમાં ભારે વરસાદ અને પૂરમાં મૃતકોની સંખ્યા હવે 19 થઈ છે. જેમાં છ બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ હજારથી વધુ લોકો હંગામી આશ્રયસ્થાનોમાં રહે છે.
ગ્વાટેમાલામાં પૂરના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે
બીજી તરફ ગ્વાટેમાલામાં 10 લોકોના મોત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે લગભગ 11,000 લોકોને પૂરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 380 લોકો હજુ પણ કામચલાઉ આશ્રયસ્થાનોમાં છે. ચાર પુલ ધરાશાયી થયા છે. તે જ સમયે, પડોશી હોન્ડુરાસમાં 1 મૃત્યુ નોંધવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 1,200 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જણાવ્યું હતું કે વરસાદે 180 સમુદાયોને કાપી નાખ્યા હતા અને 22 મકાનો નષ્ટ કર્યા હતા.
બાળકોની હોસ્પિટલથી 80 લોકોનું સ્થળાંતર
મળતી માહિતી અનુસાર, ભારે વરસાદથી ઓકસાકા રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અધિકારીઓએ સ્થિતિને જોતા બાળકોની હોસ્પિટલમાંથી 80 લોકોને બચાવી લીધા હતા. જ્યારે મેક્સિકોના કોનાગુઆ ખાડી અને કેરેબિયન તટની આસપાસ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા અને 3 મીટર ઉંચી લહેરો ઉઠવાની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તર-પૂર્વ મેક્સિકોમાં અલ્બર્ટો વાવાઝોડાએ ચાર લોકોનાં જીવ લીધા
અમેરિકી હરિકેન સેન્ટરના જણાવ્યા પ્રમાણે ઓછા દબાણ ધરાવતા ચેનલને લીધે દેશના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો છે. ઉત્તરી પ્રશાંતમાં દરિયાઈ હવા આવતા મોનસૂન ટ્રફ અલ્બર્ટો વાવાઝોડાથી પ્રેરિત છે. એટલાન્ટિક તોફાન સીઝનની પ્રથમ ઉષ્ણકટિબંધ વાવાઝોડું છે. આ અઠવાડિયામાં ઉત્તર-પૂર્વ મેક્સિકોની ઉપરથી પસાર થતા આલ્બર્ટોએ ઓછામાં ઓછા ચાર લોકોનો જીવ લીધો છે.


