ગેનીબેન ઠાકોર સાંસદ બનતા કોંગ્રેસ ઉત્સાહમાં વાવ બેઠક ભાજપ માટે જીતવી પડકાર સમાન
બનાસકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીને પરાજીત કરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે વિજય મેળવ્યા બાદ હવે વાવ અને વિસાવદરની વિધાનસભાની પેટાચૂંટણી વધુ રસપ્રદ બનશે. વાવ બેઠક પર કોંગ્રેસને વિજયનો વધુ વિશ્વાસ છે. જયારે વિસાવદરમાં જવાહર ચાવડા સહિતના ફેકટર ભાજપ માટે પડકાર ઉભો કરશે. આગામી દિવસોમાં વાવ અને વિસાવદરની પેટાચૂંટણી પણ એક સાથે યોજવા રાજ્ય ચૂંટણી પંચે મન બનાવ્યુ છે. અત્યારે તો આ બંને બેઠકો પર ઉમેદવારોને લઈને રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે.
ગેનીબેન ઠાકોર સાંસદ બનતા હવે વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેન ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામું પણ ધરી દીધુ છે. આ બેઠક પર કોંગ્રેસે સક્ષમ ઉમેદવારની પણ શોધખોળ શરૂ કરી દીધી છે. આ તરફ, ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રિક રોકી છે ત્યારે ભાજપ માટે વાવ બેઠક જીતવી પડકાર સમાન છે. કેમ કે, લોકસભાની ચૂંટણીમા એક બેઠક જીત્યા બાદ કોંગ્રેસ ફુલફોર્મમાં છે. આ તરફ, બનાસકાંઠામાં ગાબડુ પડતાં ભાજપે આ બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે તેમ છે. આ વખતે યોજનારી વાવ બેઠકની પેટાચૂંટણી પણ હોટસ્પોટ બની રહેશે. વાવ બેઠકની સાથે સાથે વિસાવદર બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. આ બેઠક પર આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ ધર્યુ છે. એટલુ જ નહીં, કેસરિયો ખેસ ધારણ કરીને પક્ષપલટો પણ કરી લીધો છે. આ જોતાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ ભાયાણીને ય ટિકિટ આપે તેવી સંભાવના જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ પણ ખંભાત, માણાવદર, વિજાપુર અને પોરબંદર બેઠક પર ભાજપે પક્ષપલટુઓને ટિકિટ આપી હતી. પાંચેય પક્ષપલટુઓ વિજેતા થયા છે. રાજ્ય ચૂંટણીપંચે વાવ અને વિસાવદરની એક સાથે પેટાચૂંટણી કરાવે તેવા સંકેત મળ્યાં છે.


