- પીજીના પ્રવેશની કાર્યવાહીમાં સમર્થ પોર્ટલે હાથ અધ્ધર કર્યાની ચર્ચા
- અન્ય યુનિ.માં પ્રવેશ થઈ ગયો હોય અથવા તો અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો જ નથી
- પ્રવેશ કર્ન્ફ્મ કરવા માટે 25મી જૂન સુધીની મુદત અપાઈ હતી
ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS) મારફતે હાથ ધરાયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલ 51 હજાર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો, જે પૈકી માત્ર 10 હજાર વિદ્યાર્થીએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આટલી ઓછી સંખ્યામાં પ્રવેશ કન્ફર્મ થવા પાછળનું એવુ આંકલન છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ જ મળ્યો નથી અથવા તો અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો હોઈ શકે. આ સિવાય યુનિવર્સિટીમાં હવે પીજી પ્રવેશને લઈ પણ વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીમાં પીજીના પ્રવેશની કાર્યવાહીમા સમર્થ પોર્ટલ દ્વારા હાથ અધ્ધર કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.
GCAS પોર્ટલ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ ગુજરાત યુનિવર્સિટીને આગળની કાર્યવાહી કરવા માટે મેરિટ યાદી અપાઈ હતી, જેમાં યુનિવર્સિટીના સમર્થ પોર્ટલ દ્વારા 51 હજાર વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફળવાયા હતા. પ્રવેશ કર્ન્ફ્મ કરવા માટે 25મી જૂન સુધીની મુદત અપાઈ હતી. પ્રવેશની સૂત્રો કહે છે કે, 51 હજાર પૈકી અડધા વિદ્યાર્થીઓને જ કોલેજ મળી શકી હતી. જે પૈકી અત્યાર સુધીમાં એટલે કે મુદત પુરી થઈ તે દરમિયાન માત્ર 10 હજાર વિદ્યાર્થીઓ જુદી જુદી કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.


