- પસંદગીની કંપનીઓને જુલાઈ સુધીમાં પેપરવર્ક પૂર્ણ કરવા જણાવ્યું
- અધિકારીઓ શોર્ટલિસ્ટેડ કંપનીઓને હરાજી સંબંધિત માહિતિ આપશે
- હરાજીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે
આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન હવે તેની એરલાઇન PIA (Pakistan International Airlines)ને વેચવા જઈ રહ્યું છે. PIAનું ખાનગીકરણ પાકિસ્તાનની નવી સરકારના એજન્ડામાં રખેવાળ સરકારનું કામ પૂરું થયું ત્યારથી છે. પાકિસ્તાનથી મળી રહેલી માહિતિ અનુસાર પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં PIAનું ખાનગીકરણ કરવા જઈ રહી છે અને આ માટેની તમામ પ્રારંભિક તૈયારીઓ કરી લેવામાં આવી છે.
બુધવારે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન હાલમાં રૂપિયાની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. આ ઉણપને દૂર કરવા માટે પાકિસ્તાન સરકાર હવે દેશના સરકારી વિભાગોને ખાનગી હાથમાં સોંપવા માટે તૈયાર છે. ચીન પહેલાથી જ CPEC દ્વારા પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ સંસાધનોમાં દખલ કરી રહ્યું છે અને હવે વિદેશમાં પાકિસ્તાનની ઓળખ ગણાતી PIA પણ એક ખાનગી કંપનીના નિયંત્રણમાં આવવા જઈ રહી છે.
હરાજી માટે 6 કંપનીઓની પસંદગી
મળતી માહિતિ અનુસાર, 6 કંપનીઓને ખાનગીકરણ માટે સરકાર દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. અંતિમ પ્રક્રિયામાં આ 6 કંપનીઓ એરલાઇનની હરાજીમાં ભાગ લેશે. એરલાઈને પસંદગીની કંપનીઓને જુલાઈ સુધીમાં પેપરવર્ક પૂર્ણ કરવા જણાવ્યું છે. દરમિયાન, અધિકારીઓ શોર્ટલિસ્ટેડ કંપનીઓને હરાજી સંબંધિત જરૂરી માહિતી આપી રહ્યા છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) ના ખાનગીકરણ માટે હરાજીમાં છ કંપનીઓને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે, જોકે આ છ કંપનીઓ કઈ છે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
હરાજીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે
આ અઠવાડિયે યોજાયેલી ખાનગીકરણ મંત્રાલય બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકની અધ્યક્ષતા ખાનગીકરણ મંત્રી અલીમ ખાને કરી હતી. અલીમે તમામ ખોટ કરતી સરકાર-નિયંત્રિત કંપનીઓની પારદર્શક અને અસરકારક ખાનગીકરણ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. પારદર્શિતા લાવવા અને બિડિંગમાં વિશ્વાસ વધારવા માટે અલીમે મીડિયા આઉટલેટ્સ પર જીવંત પ્રસારણની ભલામણ કરી છે.


