ટીઆરપી કાંડ બાદ નેતાઓની ભલામણો બંધ : કોર્પોરેટરોએ વ્યાજબી કામની લેખીત ભલામણ કે સૂચના અધિકારીઓને આપવી પડશે
રાજકોટના ટીઆરપી કાંડે ભારતીય જનતા પાર્ટીને પાયાથી હચમચાવી નાંખી છે. લોકોના પ્રચંડ વિરોધને કારણે હવે નેતાઓએ વ્યાજબી કામની ભલામણો પણ બંધ કરી દીધી છે. આથી પ્રજામાં કોર્પોરેટરો અને ભાજપના નેતાઓ પ્રત્યે રોષ વધ્યો છે. આવા સંજોગોમાં શહેર ભાજપ મુકેશ દોશીએ પક્ષના તમામ અગ્રણીઓને અને કોર્પોરેટરોને અધિકારીઓ સમક્ષ લેખીત રજુઆત કરવા આદેશ કર્યો છે. કોઇ મૌખીક રજુઆતો કરવાનો હવે અવકાશ નહી રહે. જો કે કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોમાં આ અંગે વિરોધ અને કચવાટની લાગણી શરૂ થઇ ગઇ છે.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના ભયાનક અગ્નિકાંડને એક મહિનો પૂરો થયો છે ત્યારે આ સમયમાં નેતાઓએ ભલામણ કરવાનું જ મહદ્ અંશે બંધ કરી દીધું છે અને સામે પક્ષે અધિકારીઓ પણ હવે ભલામણ સ્વીકારવામાં આનાકાની કરતા થયાનું જાણવા મળે છે ત્યારે શહેર ભાજપે કોર્પોરેટરોને લેખિતમાં ભલામણ કરવા સૂચના આપી છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ કોર્પોરેટરો અને પક્ષના હોદ્દેદારોને વાજબી કામો માટે, જાહેર હિત માટે અધિકારીઓને કોઈ કામ સૂચવવામાં જરા પણ ખોટુ નથી બલ્કે તે જવાબદારી છે અને અધિકાર પણ છે. આવા કામો લેખિતમાં આપવા, ઈન્વર્ડ કરાવવા અને તેનું રેકોર્ડ પણ સાચવવું. જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો નેતા પણ કહી શકે કે અમે આ કામ કરવાનું કહ્યું હતું.
મહાપાલિકાના આઠ અધિકારીઓ જેલમાં ગયા છે તેમણે ટીઆરપી ગેમઝોનને પોતે બારોબાર વહીવટ કરીને છાવર્યો હોવાની શક્યતા નહીવત્ છે, કારણ કે તેમ હોય તો જાગતાં પદાધિકારીઓ આ મુદ્દો ઉઠાવ્યા નગર રહે નહીં. કોઈની ભલામણ કરી હોય તો નામો બહાર આવ્યા નથી. પરંતુ, અધિકારીઓ જેલમાં જતા હવે અન્ય તમામ ખાતાના અધિકારીઓ પણ ખાસ કરીને ખોટી ભલામણો માનવા ઈન્કાર કરવો જોઈએ તેવી ચર્ચા જાગી છે. કારણ કે ખોટી ભલામણ પાળવાથી અંતે ગુનાહિત | જવાબદારી અધિકારીની જ બને છે.


