- ઈરાનના 85 વર્ષીય સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ પ્રથમ વોટ નાખ્યો
- ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે
- ઈરાનમં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધન બાદ ચૂંટણી યોજાઈ રહી છે
ઈરાનમાં શુક્રવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. ગયા મહિને વિમાન દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મૃત્યુ બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વ્યાપક તણાવ છે અને ઈરાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
પહેલો વોટ કોણે નાંખ્યો?
મતદારોએ કટ્ટરપંથી ઉમેદવારો અને ઈરાનના સુધારાવાદી ચળવળ સાથે જોડાયેલા ઓછા જાણીતા રાજકારણી વચ્ચે પસંદગી કરવી પડશે. ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ રાખનારા આંતરિક પ્રધાન અહેમદ વાહેદીએ જણાવ્યું હતું કે મતદાન સવારે 8 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) શરૂ થયું હતું. ઈરાનના 85 વર્ષીય સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ચૂંટણીમાં પોતાનો પહેલો મત આપ્યો અને લોકોને મતદાન કરવા વિનંતી કરી.
હવે રેસ અઘરી બની
વિશ્લેષકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો માની રહ્યા છે. તેઓ માને છે કે મુખ્ય હરીફાઈ બે કટ્ટરપંથી ઉમેદવારો વચ્ચે છે – ભૂતપૂર્વ પરમાણુ વાટાઘાટકાર સઈદ જલીલી અને સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર કાલિબાફ અને સુધારાવાદી તરીકે જાણીતા ઉમેદવાર, મસૂદ પેઝેશ્કિયન. મસૂદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હસન રુહાની તરફ ઝુકાવ કરે છે, જેમના શાસન હેઠળ તેહરાને વિશ્વ શક્તિઓ સાથે 2015 માં સીમાચિહ્નરૂપ પરમાણુ કરાર કર્યો હતો.
આ પણ જાણી લો
ઈરાનમાં 18 વર્ષથી વધુ ઉંમરના અંદાજે 61 મિલિયન મતદારો છે, જેમાંથી આશરે 18 મિલિયન 18 થી 30 વર્ષની વયના છે. ઈરાનના કાયદા મુજબ, ઉમેદવારને જીતવા માટે કુલ પડેલા મતના 50 ટકાથી વધુ મત મળવા જોઈએ. જો તેમ ન થાય તો, રેસમાં ટોચના બે ઉમેદવારો એક અઠવાડિયા પછી યોજાનાર બીજા રાઉન્ડમાં આગળ વધશે.


