મેટ્રો રેલના અધિકારીઓ ફિઝીબિલીટી સર્વે કરી ગયા
RMCના ટોચના અધિકારીઓનો મંત્રણાનો દોર ચાલુ : હકારાત્મક વલણ
રાજકોટમાં એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિતની મેટ્રો સિટી જેવી સુવિધાઓનો પ્રારંભ થઇ ગયા બાદ હવે રાજકોટ મેટ્રો યુગમાં પ્રવેશે તેવા નિર્દેશ મળે છે. રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવા માટે પૂર્વ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જે મુજબ મેટ્રો રેલનો સર્વે કરતા અધિકારીઓ રાજકોટની મુલાકાત લઇ ગયા છે અને રાજકોટની એમટીએસ (મેટ્રો ટ્રાન્ઝીટ સિસ્ટમ) અંગે સર્વે કરી ગયા છે. પ્રાથમિક સર્વેનો ફિઝીબિલીટી રિપોર્ટ હકારાત્મક આવ્યો છે. મેટ્રો રેલના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાના ટોચના અધિકારીઓ સાથે મંત્રણા પણ કરી છે. રાજકોટની વર્તમાન વસ્તી માસ ટ્રાન્સપોર્ટેશન અને રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ અંગે ઊંડાણથી અભ્યાસ અને મંત્રણાઓ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવાના હકારાત્મક નિર્દેશ મળે છે. શાપર-વેરાવળ, મેટોડા, એઇમ્સ, ક્રિકેટ સ્ટેડિયમ સહિત રાજકોટ હવે 3૦ થી ૪૦ કિ.મી.માં કનેકટ થઇ ગયું છે. રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ધરાવતી મેટ્રો રેલ આવવાથી શહેરના ટ્રાફિકની સમસ્યા મહદ અંશે હળવી થઇ શકે તેમજ લોકોને સરળ અને ઝડપી ટ્રાન્સપોર્ટ વિકલ્પ મળી શકે તેમ છે.
અમદાવાદમાં મેટ્રો રેલ સેવા શરુ થઇ ગયા પછી હવે રાજ્ય સરકાર રાજકોટમાં પણ મેટ્રો રેલ સેવા શરુ કરવાની ઈચ્છા ધરાવે છે. આ માટે આજથી 6 થી 8 માસ પહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ ત્રણ અધિકારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની પાસેથી સુચનો માંગવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ સર્વે પણ કર્યો હતો આમ રાજકોટ શહેર મેટ્રો યુગમાં પ્રવેશશે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધતો જાય છે અને મેટ્રો શહેરોમાં ગણના થવા લાગી છે ત્યારે આગામી 25 વર્ષમાં ટ્રાફિક સમસ્યા ઉભી થવાની છે ત્યારે આ સમસ્યા હલ કરવા માટે અમદાવાદની જેમ મેટ્રો રેલ સેવા શરૂ કરવા માટે રાજય સરકાર મક્કમ છે અને આ માટે 6 માસ પહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટના 3 અધિકારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ફીઝીલીબીટી સર્વે શરૂ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ પાસે સૂચનો પણ માગ્યા હતા અને ત્યાર બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ શહેરના જુદા જુદા માર્ગો પર બપોરના સમયે કેટલો ટ્રાફિક રહે છે તેનો સર્વે પણ હાથ ધર્યો હતો તેમજ કેટલા રસ્તા મોટા છે અને કઈ જગ્યાએ મેટ્રો રેલવે સ્ટેશન બનાવવુ સહીત ફીઝીકલ રીપોર્ટ તૈયાર કરી રાજય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો જેના સંદર્ભે સરકારે આ રીપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યો છે તેમ સુત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર રાજકોટમાં ૧૦,૦૦૦ કરોડના ખર્ચે ૩૮ કિલોમીટરની મેટ્રો લાઇન નાખવાની યોજના ધરાવે છે.
મેટ્રો શાપરથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સુધી દોડી શકે
રાજકોટમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા માટે રાજય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ રેલ પ્રોજેક્ટને ભવિષ્યમાં માસ્ક ટાનટી સીસ્ટમના ભાગ રૂપે ભવિષ્યમાં એઈમસ હોસ્પિટલ,શાપર વેરાવળ અને મેટોડા સુધી આ મેટ્રો ટ્રેન પણ લંબાવી શકાય તે માટે પણ સર્વે કરવામાં આવ્યો છે.
ફીઝીબિલીટી રીપોર્ટ પોઝીટીવ
રાજકોટ આગામી વર્ષોમાં મેટ્રો યુગમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા જે સર્વ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ સરકારને આપવામાં આવ્યો છે તે ફીઝીબિલીટી પ્રોજેક્ટ રીપોર્ટ પોઝીટીવ આપ્યો હોવાનો નિર્દેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું.
મેટ્રો રેલ કંપની છ માસમાં રૂટ નક્કી કરશે
રાજકોટ મેટ્રોની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ કંપની ગાંધીનગર કચેરી સંભાળશે. આ કચેરીના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મેટ્રો રેલનો પ્રોજેકટ હકારાત્મક રીતે આગળ વધી રહ્યો છે અને આગામી છ માસમાં સમગ્ર રાજકોટને મેટ્રો રેલને કારણે મોટો ફાયદો થાય તે રીતે રૂટ નક્કી કરવાની કામગીરી હાથ ધરાઇ છે. હાલની રાજકોટની રચના જોતા શાપરથી ૧૫૦ ફૂટ રીંગ રોડ જતાં હાઇવે થઇ જામનગર ખંઢેરી સુધીનો રૂટ છે તે રૂટ પર મેટ્રો રેલ થવાની વધુ સંભાવના છે.


