ટ્રાવેલ્સ પેઢીના માલિકને શરૂઆતમાં નિયમિત ભાડુ આપી છેતરપીંડી કરી
રાજકોટમાં એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પેઢીના માલિક પાસેથી ભાડેથી સ્લીપર કોચ બસ મેળવી તેના કલીનરે બસ બારોબાર વેંચી નાખ્યાની પોલીસ ફરિયાદ થઇ છે. ફરિયાદી ટ્રાવેલર્સ સંચાલકે જણાવ્યું છે કે આ કલીનરે શરૂઆતમાં તેને નિયમીત ભાડુ આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો. જેથી બસની હૈયાતી અંગે ખ્યાલ આવ્યો ન હતો. આ બસ તેણે બારોબાર વેચી નાખતા કલીનર સામે પોલીસમાં ફરિયાદ કરાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી ભાડે લીધેલી સ્લીપર કોચ બસ આરોપી મયુર દિલીપ મકવાણા (રહે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે, તિરૂપતિ બાલાજી સોસાયટી)એ બારોબાર વેચી નાખ્યાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
મંછાનગર નજીકના નરશીનગર શેરી નં. 7માં રહેતા અને દ્વારકાધીશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી ધરાવતાં વિક્રમભાઈ ડાંગરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કલીનરનું કામ કરતો હોવાથી તેને ઓળખે છે. એટલું જ નહીં તેની સાથે મિત્રતાનો પણ સંબંધ છે. ઓકટોબર- 2023માં આરોપી તેને મળ્યો હતો અને કહ્યું કે મને તમારી સ્લીપર કોચ બસ ભાડા પેટે ચલાવવા આપો, જેનું હું તમને દરરોજ રૂા. 5,000 ભાડુ આપીશ. જેથી આરોપીને પોતાની સ્લીપર કોચ બસ ભાડે ચલાવવા આપી હતી.
આરોપી નિયમીત ભાડુ ચુકવતો હતો. બસ કયારેક લાંબી ટુરમાં ગઈ હોય તો ચાર-પાંચ દિવસે એક સાથે ભાડુ ચુકવતો હતો. પાંચેક માસ નિયમીત ભાડુ ચુકવી આરોપીએ વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. પરંતુ ચારેક માસ પહેલાં અઠવાડિયા જેવો સમય થઈ જવા છતાં આરોપીએ ભાડુ ચુકવ્યું ન હતું. જેથી તેને કોલ કરતા કહ્યું કે બસ લાંબી ટુરમાં ગઈ છે, પરત આવે એટલે બે-ત્રણ દિવસમાં ભાડુ ચુકવી આપીશ. પરંતુ ભાડુ નહીં ચુકવતા ફરીથી કોલ કરતા આરોપીએ કહ્યું કે બસ હજુ ટુરમાંથી પરત આવી નથી.
ત્યાર પછી આરોપીએ બહાના બતાવવાનું ચાલુ કરી વીસેક દિવસ સુધી ભાડુ ચુકવ્યું ન હતું. જેથી શંકા જતાં તપાસ કરતા ખબર પડી કે આરોપીએ ચોટીલા રહેતા ભગીરથસિંહ અને રોહિતને તેની જાણ બહાર બસ વેચી દીધી છે. આ રીતે આરોપીએ વિશ્વાસઘાત કરતાં તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો.


