- અધિકારીઓ, કન્સલ્ટન્ટના અણઘડ આયોજનને કારણે AMC તિજોરી પર વધારાનો બોજો
- રિવાઈઝડ અંદાજ સાથેની દરખાસ્ત મંજૂરીને પગલે વિવાદઃ કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવાનો કારસો
- ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈને 4 CNG ભઠ્ઠી બનાવવાનું નક્કી કરાયું છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજ વોર્ડમાં શીલજ સ્મશાનગૃહ ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
AMC દ્વારા 2023ના વર્ષમાં શીલજ સ્મશાનગૃહને ડેવલપ કરવા માટે 13 ટકા ભાવ વધારા સાથે રૂ. 14 કરોડ, 51 લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. હવે AMC દ્વારા શીલજ સ્માશન ગૃહ ડેવલપ કરવા માટે લગભગ રૂ. 2 કરોડના વધારા સાથે કુલ રૂ. 16 કરોડ, 17 લાખની રિવાઈઝડ દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર કરવાને પગલે વિવાદ સર્જાયો છે. આમ, ફક્ત એક જ વર્ષમાં શીલજ સ્મશાનગૃહ માટે અંદાજે રૂ. 2 કરોડનો વધારો આપીને માનીતા કોન્ટ્રાક્ટરનો લાભ ખટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મ્યુનિ. અધિકારીઓ, ડિઝાઈન કન્સલ્ટન્ટના અણઘડ આયોજનને કારણે AMC તિજોરી પર રૂ. 2 કરોડનો વધારાનો ખર્ચ બોજ પડશે.
શીલજ સ્મશાનગૃહ ડેવલપ કરવા માટે AMC એન્જિનીયરિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજની સરખામણીએ 13 ટકા વધુ ભાવના અંદાજ સાથે રૂ. 14 કરોડ, 51 લાખનું શ્રી જી કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યાના લગભગ એક વર્ષ પછી વિવિધ કામગીરીમાં સુધારા સૂચવવાને પગલે વિવાદ સર્જાયો છે. સોઈલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા પછી સોઈલ બેરીંગ કેપેસિટી 25 ચો. મી.ના બદલે 20 ચો.મી. હોવાના આધારે ફાઉન્ડેશન સાઈઝ 25 ટકાથી વધીને 30 ટકા થવાને કારણે કોન્ક્રીટ અને સ્ટીલની ક્વોન્ટિટીમાં વધારો થવાનું દર્શાવાયું છે. શીલજ સ્મશાનગૃહની નજીક તળાવ હોવાથી ખોદાણ, કર્ટિનગ, અને સ્ટીલની ક્વોન્ટિટીમાં વધારો દર્શાવાયો છે. રિટેઈનિંગ વોલ બનાવવા, 2 CNG ભઠ્ઠી અને 1 ચીમની સ્ટેન્ડ બાય ગણીને અંદાજ નક્કી કરાયા પછી ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈને 4 CNG ભઠ્ઠી બનાવવાનું નક્કી કરાયું છે. શીલજ તળાવ હોવાથી બાળકોના દફનવિધિ માટે સ્થળ ફેર કરાયો છે. શીલજ સ્મશાનગૃહ માટે આયોજન કરાયું ત્યારે ભવિષ્યની જરૂરિયાતને નજર અંદાજ કરીને પ્લાનિંગ કરાયું હતું ? એવો પ્રશ્ન સર્જાયો છે.


