- ઉત્તર કોરિયાએ સોમવારે દક્ષિણ કોરિયા પર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી
- દક્ષિણ કોરિયા સાથે અમેરિકા અને જાપાનની સૈન્ય કવાયતથી ઉત્તર કોરિયા નારાજ હતું
- ઉત્તર કોરિયાએ કહ્યું આ કવાયત પાછળ અમેરિકાનો ઈરાદો ચીનને ઘેરવાનો અને રશિયા પર દબાણ લાવવાનો હતો
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસથી નારાજ ઉત્તર કોરિયાએ સોમવારે દક્ષિણ કોરિયા પર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ માહિતી આપી હતી કે ઉત્તર કોરિયાએ સોમવારે તેના પૂર્વ કિનારેથી ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી.
જાપાન અને યુએસ આર્મી સાથે સાઉથ કોરિયાની સંયુક્ત કવાયત બાદ નારાજ ઉત્તર કોરિયાએ આ પગલું ભર્યું હતું. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે ઉત્તર કોરિયાના દક્ષિણ-પૂર્વ શહેર જાંગયોનથી સવારે 5.05 કલાકે મિસાઈલ છોડવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ મિસાઈલ પ્રક્ષેપણના 10 મિનિટ પછી બીજી અજાણી બેલેસ્ટિક મિસાઈલ પણ મળી આવી હતી, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ બે મિસાઈલ લોન્ચ કરી હશે.
કેમ ઉત્તર કોરિયાએ મિસાઈલ લોન્ચ કરી?
દક્ષિણ કોરિયા સાથે અમેરિકા અને જાપાનની સૈન્ય કવાયતથી ઉત્તર કોરિયા નારાજ હતું. જેના કારણે ઉત્તર કોરિયાએ પણ આ ત્રણ દેશોની આ કવાયતને એશિયાના નાટો તરીકે ઓળખાવી છે. આ કવાયતના બે દિવસ બાદ જ નારાજ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર મિસાઈલ છોડી દીધી હતી. તાજેતરના વર્ષોમાં ત્રણેય દેશો (દક્ષિણ કોરિયા, યુએસ, જાપાન) ઉત્તર કોરિયાના વધતા પરમાણુ જોખમો અને આ ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતા સાથે વધુ સારી રીતે વ્યવહાર કરવા માટે તેમની સંયુક્ત સુરક્ષા ભાગીદારીને પ્રોત્સાહન આપી રહ્યા છે.
ત્રણેય દેશોની ડ્રીલનો શું છે ઉદ્દેશ્ય
ત્રણેય દેશોએ આ ડ્રીલને “ફ્રીડમ એજ” ડ્રીલ નામ આપ્યું છે. જેનો ઉદ્દેશ્ય સંયુક્ત બેલિસ્ટિક-મિસાઈલ સંરક્ષણ, સબમરીન વિરોધી યુદ્ધ, સુરક્ષિત દેખરેખ અને હવાઈ અને નૌકાદાળ અભ્યાસને વધારવાનો છે. આ કવાયતમાં અમેરિકન ફાઈટર જેટ અને હેલિકોપ્ટર સામેલ હતા.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે કરી નિંદા
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે રવિવારે એક લાંબુ નિવેદન આપીને કરીને “ફ્રીડમ એજ” ડ્રીલની સખત શબ્દોમાં નિંદા કરી અને તેને એશિયાનો નાટો ગણાવ્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કવાયતથી ખુલ્લેઆમ કોરિયન પેનિનસુલા પર સુરક્ષાનું વાતાવરણ ખરાબ થઈ ગયું છે. ઉત્તર કોરિયાએ એમ પણ કહ્યું કે આ કવાયત પાછળ અમેરિકાનો ઈરાદો ચીનને ઘેરવાનો અને રશિયા પર દબાણ લાવવાનો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કવાયતને કારણે ઉત્તર કોરિયાની સુરક્ષાને થયેલા નુકસાનને કારણે ઉત્તર કોરિયા આક્રમક અને બળપૂર્વક જવાબી હુમલાઓ દ્વારા રાજ્યની સંપ્રભુતા, સુરક્ષા અને હિતોનું રક્ષણ કરશે. જે બાદ ડ્રિલના બે દિવસ બાદ જ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર મિસાઈલ છોડી દીધી હતી.


