- વેપારીના અપહરણના કેસમાં સોગંદનામું મૂકી સમય માંગ્યો
- કોર્ટની કડકાઈ છતાં સરકારે કહ્યું હજુ પૂરતા પુરાવા મળ્યા નથી
- એસપી વારંવાર આવું કરતા હોય તો તે ગુનાહિત વૃત્તિ વાળા કહેવાય: હાઇકોર્ટ
શહેરના પાલડી વિસ્તારમાંથી ફ્રુટના એક વેપારીનું અપહરણ કરવાના કેસમાં પાટણના એસપી રવીન્દ્ર પટેલ વિરુદ્ધ દાખલ થયેલી અરજીના કેસમાં રાજય સરકાર તરફ્થી પોલીસની એફિડેવીટ ગુજરાત હાઇકોર્ટે સમક્ષ મુકી હતી.
સરકાર તરફથી હાઈકોર્ટને જણાવ્યુ હતુ કે, એસપી સામેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે, વેપારીના અપહરણ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે હાઈકોર્ટ સમક્ષ વચગાળાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને રથયાત્રાના બદોબસ્તમાં વ્યસ્ત હોવાથી સમય આપવા માટે માંગણી કરી હતી. ત્યારબાદ આ કેસમાં વધુ સુનાવણી 16 જુલાઈએ રાખવામાં આવી છે. પાટણ એસપી સામે DCP તપાસ કરતા હોવાથી પૂરાવા મળતા એસપી સામે કાર્યવાહી હાથ ધરાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, પાટણના હેડ કોન્સ્ટેબલને માર મારવા અને અસમાજિક તત્ત્વો સામે પગલાં ન ભરતા ખેડૂત આપઘાત કેસમાં પાટણ SPને પક્ષકાર બનાવી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.
અગાઉ હાઇકોર્ટે કહ્યું હતું કે, જો એસપી વારંવાર આવું કરતા હોય તો તે ગુનાહિત વૃત્તિ વાળા કહેવાય. શું તપાસમાં ઓથોરિટી આરોપીનો ભૂતકાળ નથી જોતી? કોર્ટ તમને તપાસ કરતા શીખવાડે? કોર્ટે SPને બચાવાઈ રહ્યા હોવાનું નોંધ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે હવે SP સામેના ટેકનિકલ પૂરાવાની તપાસ ગાંધીનગર નહીં પણ ચંડીગઢ કે હૈદરાબાદ ખાતે કરવામાં આવે. હજુ સુધી એફઆઈઆર નથી થઈ અને પુરાવા એફએસએલની તપાસ માટે મોકલ્યા છે? કેટલા કેસમાં એફઆઈઆર પહેલા પુરાવા એફએસએલ તપાસ માટે મોકલાયા છે? આઈપીએસને બચાવવાની કોશિશ બદલ તપાસ અધિકારી એવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સામે પણ પગલાં લેવાઇ શકે છે!


