- રશિયાએ પાંચ શહેરોને નિશાન બનાવ્યાં : ઝેલેન્સ્કી
- મહિનાઓ બાદ રશિયાનો મોટો હુમલો, 112 લોકો ઇજાગ્રસ્ત, યુદ્ધ વકરે તેવા એંધાણ
- રશિયાના મિસાઇલ હુમલામાં સાત બાળકો સહિત 31 લોકોનાં મૃત્યુ
રશિયા અને યૂક્રેન વચ્ચે બે વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેના સતત હુમલા કરતી રહે છે જેમાં યૂક્રેનનાં અનેક શહેરો ખંડેરોમાં ફેરવાયાં છે.સોમવારે રશિયન સેનાએ યૂક્રેનની રાજધાની કિવ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો.
કિવની ચિલ્ડ્રન હોસ્પિટલ પર રશિયાના મિસાઇલ હુમલામાં સાત બાળકો સહિત 31 લોકોનાં મૃત્યુ થયાં છે અને 112 લોકો ઘવાયા છે.રશિયન સેનાએ કિવમાં બાળકોની હોસ્પિટલ પર હાઈપરસોનિક મિસાઇલોનો મારો કર્યો હતો. જેના પરિણામે આખી હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. જેની નીચે અનેક મૃતદેહો દટાયા છે. તેમને બહાર કાઢવા માટે રાહત કાર્ય શરૂ કરાયું છે.
અધિકારીઓનું કહેવું છે કે કાટમાળ નીચે જીવન શોધી રહ્યા છીએ. એકસાથે પાંચ શહેરોમાં રશિયાના ભારે મિસાઇલ હુમલાના પગલે અફડાતફડી મચી ગઇ હતી. યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ જુદા જુદા પ્રકારની મિસાઇલોથી પાંચ શહેરોને નિશાન બનાવ્યાં હતાં.યૂક્રેનની રાજધાની કિવમાં બાળકોની એક હોસ્પિટલ ઓખમાડાઇટ ચિલ્ડ્રન હોસ્પિટલ પર રશિયન સેનાએ હાઈપરસોનિક મિસાઇલોથી હુમલો કર્યો હતો અને અન્ય સ્થળોએ પણ ભારે બોમ્બમારો કર્યો હતો. દિવસે થયેલા આ હુમલા બાદ જીવિત બચેલા લોકોને શોધવા માટે સંખ્યાબંધ સ્વયંસેવક, ડોક્ટર, અને બચાવકર્મીઓ ઓખમાડાઇટ ચિલ્ડ્રન હોસ્પિટલના એક ભાગના કાટમાળનું ખોદકામ કરતા હતા. રશિયન સેનાએ મધ્ય યૂક્રેનના અન્ય એક શહેર કિર્વી રીહ પર પણ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં. રશિયાના મિસાઇલ હુમલાના પગલે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ વકરી શકે છે.
હાઈપરસોનિક મિસાઇલોથી ઇમારતો હચમચી ગઇ
રશિયન સેનાનો આ હુમલો ઘણા મહિના બાદનો કિવ પરનો સૌથી મોટો હુમલો ગણાઈ રહ્યો છે. યૂક્રેની વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું કે દિવસના સમયે કરવામાં આ હુમલાઓમાં કિંજલ હાઈપરસોનિક મિસાઇલો સામેલ હતી, જે સૌથી અદ્યતન રશિયન હથિયારોમાંની એક છે. કિંજલ અવાજની ગતિ કરતાં 10 ગણી વધારે ઝડપે ઊડે છે અને તેને રોકવી લગભગ અશક્ય છે. તેના વિસ્ફોટો શહેરની ઇમારતોને હલી ગઈ છે.


