- વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રિયાની એક દિવસીય મુલાકાતે છે
- પીએમ મોદીએ ભારત-ઓસ્ટ્રિયાનો સંયુક્ત મેનિફેસ્ટો બહાર પાડ્યો
- પીએમ મોદીએ કહ્યું કે મારી આ મુલાકાત ખાસ અને ઐતિહાસિક છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રિયાની એક દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ ભારત-ઓસ્ટ્રિયાનો સંયુક્ત મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે મારી આ મુલાકાત ખાસ અને ઐતિહાસિક છે. અમે દાયકાઓના સહકાર માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે.
પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી શક્યતા
પીએમ મોદીએ કહ્યું કે આજે મારી અને ચાન્સેલર નેહમર વચ્ચે ખૂબ જ અર્થપૂર્ણ વાતચીત થઈ. અમે પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી શક્યતાઓની ઓળખાણ કરી છે. અમે નક્કી કર્યું છે કે સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવામાં આવશે. અમે બંને આતંકવાદની સખત નિંદા કરીએ છીએ. અમે સંમત છીએ કે આ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. આને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં.
ચાલી રહેલા વિવાદો વિશે કરી વાત
પીએમ મોદીએ કહ્યું કે ચાન્સેલર નેહમેર અને મેં વિશ્વમાં ચાલી રહેલા તમામ વિવાદો પર વિગતવાર ચર્ચા કરી છે, પછી તે યુક્રેનનો સંઘર્ષ હોય કે પશ્ચિમ એશિયાની સ્થિતિ. મેં અગાઉ પણ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. અમે દુનિયામાં ચાલી રહેલા વિવાદો વિશે વાત કરી. આમાં યુક્રેનની પણ ચર્ચા કરવામાં આવી છે. અમે શાંતિ અને સ્થિરતા માટે વાત કરી છે. અમે શાંતિ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. ક્લાઈમેટ અને આતંકવાદ પણ મહત્વના મુદ્દા છે.
પીએમ મોદી રશિયાથી ઓસ્ટ્રિયા પહોંચ્યા
રશિયાનો પ્રવાસ પૂર્ણ કરીને યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપીયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાંડર શૈલેનબર્ગ પોતે પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
પીએમ મોદીનું સ્વાગત કર્યા બાદ એલેક્ઝાંડર શૈલેનબર્ગે ટ્વિટ કર્યું, ‘ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત પર હાર્દિક સ્વાગત છે. આપણા રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે. અમારા દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે.
Image – ANI


