- રાજ્યમાં ડેન્ગ્યૂના કુલ 936 કેસ, સૌથી વધુ અમદાવાદ શહેરમાં 242 દર્દી સારવાર હેઠળ
- મેલિરિયાના કેસમાં ગત વર્ષ કરતાં 8.9 ટકા ઘટાડો જ્યારે સુરતમાં 200 સહિત 848 કેસ નોંધાયા
- વડોદરા, રાજકોટ ચિકુનગુનિયાની લપેટમાં આવ્યા, રાજ્યમાં 8,663 ટેસ્ટમાંથી 191 કેસ
વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં મચ્છર અને પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધી રહ્યો છે. વર્ષ 2023ના સાપેક્ષમાં ચાલુ વર્ષે જૂલાઈના પહેલા સપ્તાહમાં ડેન્ગ્યૂના કેસમાં 56 ટકા અને ચિકનગુનિયાના કેસોમાં 57.9 ટકા વધ્યા છે. ગોધરામાં ડેન્ગ્યૂના દર્દીનું મૃત્યુ થયુ છે.
આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે ચોમાસામાં સ્વચ્છતા જાળવવા તેમજ શુધ્ધ અને સંતુલિત આહાર લેવા નાગરીકોને અપીલ કરી છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાના વહિવટી તંત્રને મચ્છર અને પાણી જન્ય રોગચાળાને રોકવા સુચવાયેલી માગદર્શિકા મુજબ એક્શન લેવા સુચવાયુ છે.
રાજ્યમાં આ સપ્તાહે ડેન્ગ્યૂના 936 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં 242 હોવાનું જાણવા મળ્યુ છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ વડોદરામાં 155 કેસ મળ્યા છે. ગતવર્ષે આ સમય દરમિયાન 37,523 ટેસ્ટમાંથી 600 કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયુ હતુ. આ વર્ષે 57,548ના ટેસ્ટમાંથી 936 કેસ મળ્યા છે. જે 56 ટકાનો ઉછાળો સુચવે છે. અલબત્ત ડેન્ગ્યૂની જેમ જ મચ્છર જન્ય મેલેરિયાના કેસમાં 8.90 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં મેલેરિયાના 848 કેસ છે. જેમાંથી માત્ર સુરત શહેરમાં 200 કેસ છે. બદલાયેલા વાતાવરણમાં ચિકનગુનિયાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. ગતવર્ષ કરતા આ વર્ષે જૂલાઈના પહેલા જ સપ્તાહમાં 70 કેસ વધ્યા છે. જે 57.90 ટકા વધારો સુચવે છે. વડોદરા શહેરમાં સૌથી વધુ 50, રાજકોટમાં 45 કેસ સાથે રાજ્યમાં હાલમાં 191 કેસ છે. જે 8,663 દર્દીઓના ટેસ્ટમાંથી બહાર આવ્યા છે. ચોમાસામાં મચ્છર, પાણી જન્ય રોગચાળાથી જાહેર આરોગ્યને સલામત રાખવા તાકીદે પાણી નિકાલ, ગંદકી સફાઈ, દવાના છંટકાવ જેવી કાર્યવાહી કરવા આદેશો આપાયા છે.


