- પાડોશી દેશ નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડ સરકારનું પતન
- ગઠબંધનના આધારે પૂર્વ પીએમ કેપી શર્મા ઓલી નવી સરકાર બનાવશે
- નેપાળમાં નવી સરકાર બનાવવા માર્ગ મોકળો થયો
પાડોશી દેશ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની સરકાર શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત ન મેળવી શકી. ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ નવી સરકાર બનાવવાની રજૂઆત કરી છે. ગત અઠવાડિયે સરકાર સાથે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ યુનિફાઈડ માર્કસવાદી લેનિનવાદીએ પોતાનો ટેકો પરત લઈ લીધો હતો. આ ઘટના પછી પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
નક્કી થઈ આવી ફોર્મ્યુલા
નેપાળી કોંગ્રેસના અધ્યક્ષે પહેલા જ આગામી વડાપ્રધાન તરીકે ઓલીને ટેકો આપી દીધો છે. દેઉબા અને ઓલીએ પ્રચંડની આગેવાની ધરાવતી સરકારને પદભ્રષ્ટ કરી અને નવી ગઠબંધન સરકાર બનાવવા સોમવારે સાત સૂત્રી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર પ્રમાણે ઓલી અને દેઉબા પ્રતિનિધિ સભાના વધી ગયેલા સમયમાં વારાફરતી વડાપ્રધાન પદ પર રહેશે. પ્રથમ તબક્કામાં ઓલી દોઢ વર્ષ માટે વડાપ્રધાન બનશે અને બાદમાં વધેલા સમય માટે દેઉબા વડાપ્રધાન રહેશે.
નેપાળ સંસદમાં 258 સાંસદોએ મતદાન કર્યું
નેપાળમાં ગત રોજ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સમક્ષ 165 સાંસદોના ટેકાથી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ સાંસદોમાં તેઓની પાર્ટીના 77 અને નેપાળી કોંગ્રેસના 88 સાંસદ સામેલ છે. આ અગાઉ દેશના 275 સભ્યો ધરાવતી પ્રતિનિધિ સભામાં મત વિભાજન દરમિયાન 69 વર્ષીય પ્રચંડને 63 વોટ મળ્યા હતા, જ્યારે વિશ્વાસ મતના વિરોધમાં 194 વોટ પડયા હતા.
પ્રચંડની આગેવાની ધરાવતી સરકારે ટેકો ખેંચી લીધો
નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-માઓઈસ્ટ સેન્ટર (CPN-MC) ના પ્રમુખ પ્રચંડ 25 ડિસેમ્બર, 2022 ના રોજ સત્તા સંભાળ્યા પછી ચાર વખત વિશ્વાસ મત જીતવામાં સફળ થયા હતા, પરંતુ આ વખતે તેઓ નિષ્ફળ રહ્યા હતા. આનાથી નેપાળી કોંગ્રેસ અને CPN-UML માટે નવી ગઠબંધન સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો. ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલએ ગયા અઠવાડિયે ગૃહની સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા-વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પ્રચંડની આગેવાની હેઠળની સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું.


