ભારતમાંથી કરોડો રૂપિયા વિદેશ મોકલવા ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થયો
૧3ની ધરપકડ : આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી : હવાલા કૌભાંડનું પગેરૂ રાજકોટ સુધી પહોંચવાની શકયતા
વિદેશી હવાલા માટે હવે આંતરરાષ્ટ્રીય ગેંગ કાર્યરત થઇ છે. તેમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થવા માંડયો છે. ભારતમાંથી રૂપિયા મોકલવા માટે કરોડો રૂપિયાની ક્રિપ્ટો કરન્સીને ઉપયોગમાં લેવાયાનું મહાકૌભાંડ અમદાવાદ સાયબર ક્રાઇમે શોધી કાઢયું છે. જેમાં ચાઇનીઝ આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી પણ ખુલી છે. ક્રિપ્ટો કરન્સીના હવાલા કૌભાંડનું પગેરૂ અમદાવાદ અને રાજકોટ સુધી પહોંચે તેવી શકયતા છે.
કેસ કરવાની ધમકી આપીને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ચાઈનીઝ ગેંગ સાથે સંકળાયેલી સ્થાનિક ગેંગના ૧૩ લોકોને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપીંડીના નાણા જમા કરાવતા હતા. જયારે તે નાણાનો ઉપયોગ ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા. ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શકયતા પોલીસે વ્યકત કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેકટર પી.એચ.મકવાણા અને તેમના સ્ટાફને માહિતી મળી હતી કે કૃષ્ણનગર વિજય પાર્ક ચાર રસ્તા પાસે મારૂતિ પ્લાઝામાં કેટલાક લોકો ઓફિસ ખોલીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને અનેક લોકોને લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને ઓનલાઇન છેતરપીંડીના નાણાની મોટાપ્રમાણમાં હેરફેર કરે છે. જે બાતમીને આધારે પોલીસે ગુરૂવારે દરોડો પાડયો હતો. જેમાં મારૂતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલી ક્રિશવ એન્ટરપ્રાઇઝ અને ત્રીજા માળે આવેલી ઓફિસમાં દરોડા દરમિયાન નાસભાગ મચી ગઇ હતી. જેમાં પોલીસે કેટલાક લોકોને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દિલીપ જાગાણી (રહે.હરીકૃપા સોસાયટી, નિકોલ) અને દિપક રાદડીય (રહે.ધનલક્ષ્મી સોસાયટી હીરાવાડી, સૈજપુર) નામના શખ્સો અનેક લોકોને લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખોલાવીને તેની માહિતી દુબઇ પહોંચતી કરતા હતા. તેમજ આ એકાઉન્ટમાં જમા થતા લાખો રૂપિયા સેલ્ફ ચેકથી ઉપાડીને કેતન પટેલ (રહે.શ્યામ શુકન સોસાયટી, પીડીપીયુ રોડ, ગાંધીનગર)ને આપતા હતા. જેના આધારે તે નાણાને હવાલાથી ચુકવીને ક્રિપ્ટો કરન્સીથી ચાઇનીઝ ગેંગને નાણા ટ્રાન્સફર કરતા હતા. જેના બદલામાં દિપક અને દિલીપને ત્રણ-ત્રણ ટકા કમિશન મળતું હતું. પોલીસે દિપક અને દિલીપ સાથે પગાર પર નોકરી કરતા આઠ જેટલા અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી. જે બેંકમાંથી રોકડ ઉપાડીને ઓફિસમાં જમા કરાવતા હતા. આમ છેલ્લા બે મહિનાથી કરોડો રૂપિયાની હેરફેરનું કૌભાંડ સામે આવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
આ અંગે સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે પોલીસે અલગ-અલગ બેંકોની 3૦ પાસબુક, 3૯ ચેકબુક, ૫૯ એટીએમ કાર્ડ, બેંક એકાઉન્ટ ખોલવાના ફોર્મ હિસાબના કાગળો સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. દિલીપ જાગાણી અને દિપક રાદડીયાએ ખૂબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલીને સમગ્ર છેતરપીંડી આચરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.


