- તા. 15મીથી 18મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે
- આગામી તા. 29મી જુલાઈએ મતદાન, તા. 30મીએ મતગણતરી
- ફોર્મ ભરવાના અંતીમ દિવસે તા. 11મીએ 13 બેઠકો માટે 20 ફોર્મ ભરાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરીના આગામી 5 વર્ષ માટેના નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે.
જેમાં ફોર્મ ભરવાના અંતીમ દિવસે તા. 11મીએ 13 બેઠકો માટે 20 ફોર્મ ભરાયા હતા. તા. 12મીને ફોર્મ ચકાસણીના દિવસે તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ડેરીની ચૂંટણીમાં તા. 18મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.
સુરેન્દ્રનગર જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લિ. સંચાલિત સુરસાગર ડેરી થકી ઝાલાવાડના પશુપાલકો સમૃદ્ધ થયા છે. અને તેના થકી ઝાલાવાડમાં દુધની નદીઓ વહી રહી છે. ડેરીની 600થી વધુ મંડળીઓ દરરોજ લાખો લિટર દુધ સંપાદીત કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા દુધ ઉત્પાદક સંઘ લિ.ના આગામી પ વર્ષ માટેના નિયામક મંડળની ચૂંટણી જાહેર થતા ગરમાવો આવી ગયો છે. ડેરીની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે વઢવાણ પ્રાંત અધીકારી એન.ડી.ધુળાને મુકવામાં આવ્યા છે. ત્યારે ગત તા. 11મીએ ફોર્મ ભરવાના અંતીમ દિવસે ડેરીના નિયામક મંડળની 13 બેઠકો માટે 20 ફોર્મ ભરાયા છે. જેમાં 13માંથી 8 બેઠકો ભાજપ પ્રેરિત ઉમેદવારોથી બિનહરીફ થઈ છે. જયારે સાયલા બેઠક માટે 3, લખતર માટે ર, દસાડા માટે ર, વઢવાણ માટે ર અને ચોટીલા માટે 3 એમ કુલ 5 બેઠક માટે 12 ઉમેદવારો હાલ મેદાને છે. તા. 12ને શુક્રવારે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. ત્યારે પ્રાંત કચેરીના શિરસ્તેદાર એમ.જે.નાકીયાએ વિગતો આપતા જણાવ્યુ કે, ફોર્મ ચકાસણીમાં તમામ 20 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જયારે તા. 15મીથી 18મી જુલાઈના બપોરના 3 સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. અને તા. 18મીએ સાંજે પ કલાકે આખરી ઉમેદવારોની યાદી પ્રસીધ્ધ થશે. આ ઉપરાંત તા. 29મી જુલાઈએ ઠાકરધણી સુર સાગર ભવન ખાતે મતદાન અને તા. 30મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સુરસાગર ડેરીની ચૂંટણીમાં 600થી વધુ મંડળીઓ મતદાર તરીકે નોંધાઈ છે. જેઓ 13 ડિરેકટર્સને ચૂંટશે.


