- ચેરિટી કમિશનરની ખોટી રીતે મંજૂરી, ગણોત ધારાનો ભંગ, ટોચ મર્યાદા છતાંયે કાર્યવાહી નહીં !
- SITનો રિપોર્ટ, હાઈકોર્ટનો આદેશ છતાંય કૌભાંડી લાંગાના હુકમોની પુનઃસમીક્ષામાં મહેસૂલ વિભાગમાં થતો વિલંબ
- છોટાઉદેપુરમાં ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ 1,238 એકર શ્રી સરકાર થાય તો ગાંધીનગરમાં આળસ કેમ ?
કલોલ તાલુકાના મુલાસણા ગામમાં રૂપિયા 20 હજાર કરોડથી વધારે બજાર મુલ્યની 60 લાખ ચોરસમીટરથી ઉપરાંત પાંજરાપોળની જમીન શ્રી સરકાર દાખલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
તત્કાલિન ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાના કૌભાંડમાં નિવૃત IAS વિનય વ્યાસાનો રિપોર્ટ, પોલીસ અધિક્ષકના અધ્યક્ષપદે કાર્યરત ખાસ તપાસ દળ- SITના અહેવાલ અને છેલ્લે જાન્યુઆરીમાં ગુજરાત હાઈકોર્ટેના આદેશ પછી પણ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે લાંગાએ કરેલા હુકમોની પુનઃસમીક્ષા કરીને આ જમીન શ્રી સરકાર હેડ હેઠળ દાખલ કરવામાં આવી રહી નથી.
સુરતના ડુમસમાં સરકારી પડતરમાં ગણોતિયા તરીકે દાખલ થયેલા વ્યક્તિએ એ જમીન (સરકારી) વેચાણ કર્યાની નોંધને મંજૂર કરવાના કેસમાં તત્કાળ અસરથી સરકારે રિવ્યુમાં લઈને મહેસૂલ પંચમાં અપિલ કરીને મનાઈ હુકમ મેળવ્યો છે. તો છોટાઉદેપુર જેવા નાના જિલ્લામાં ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ શોધીને શોધીને એક જ ખેડૂતની 1,238 એકર શ્રી સરકાર દાખલ કરવામા આવતા હોય તો અહીં ગાંધીનગરમાં મુલાસણા કૌભાંડ બહાર આવ્યાના ત્રણ વર્ષ પછી કેમ વિલંબ થઈ રહ્યો છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આળસને કારણે મુલાસાણાની જમીનમાં બેરોકટોક બાંધકામ શરૂ થઈ ચૂક્યુ છે.
99 વર્ષના ભાડાપટ્ટે અપાયેલી જમીનની મુદ્દત વિત્યા બાદ એ પટ્ટો રિન્યુ થઈ શકે છે તેવી શરત હતી. છતાંયે 99 વર્ષના ભાડાપટ્ટાનો સમય પૂર્ણ થાય તે પહેલાથી ચેરિટી કમિશનરમાંથી ખોટી રીતે મંજૂરી મેળવી, એ પટ્ટો રદ્દ કરીને મૂળ માલિકોના કથિત વારસદારોને જમીન પરત કરાવામાં આવી. આ પ્રથમ તબક્કે જ પાંજરાપોળ અર્થાત ગૌચર તરીકે રહેલી જમીનના વપરાશ અને પટ્ટો રિન્યુ કરવાની શરતનો ભંગ થયો હતો. એટલુ જ નહી, કથિત વારસદારોની સામે પણ ખેત જમીન ટોચ મર્યાદાનો ભંગ થતો હોવા છતાંયે 7-12માં નામો દાખલ કરીને માત્ર છ મહિનાના અંતરાલમાં જ એક પછી એક વેચાણને મંજૂરી આપી દેવાઈ હતી. ગણોત ધારાની કલમ 88- બી હેઠળ પાંજરાપોળને ખોટી રીતે અપાયેલી ખેડાણ માટે મુક્તિ તેમજ વેચાણ મંજૂરીના ખેલ પછી તત્કાલિન કલેક્ટરે બિનખેતીના હુકમો કર્યા હતા. આમ, એકથી વધારે તબક્કે ગણોત ધારો, ખેત જમીન ટોચ મર્યાદા સહિત મહેસૂલી કાયદા, ચેરીટી કમિશ્નરેટના ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટનો ભંગ કરી જમીન કૌભાંડ રચવામાં આવ્યુ હતુ. જેમાં તત્કાલિન મહેસૂલ તપાસણી કમિશનર હારિત શુક્લાની સાંઠગાંઠ પણ જવાબદાર છે. કારણ કે, એક સમયે પાંજરાપોળની જમીનને બિનખેતી રૂપાંતરણમાં તબદીલ ન કરી શકાય તેવો અહેવાલ પાઠવનારા શુક્લાએ લાંગા સાથે મળીને પોતાનો જ અભિપ્રાય ફેરવી તોળ્યો હતો.
આમ, જ્યાં મુળથી જ મહેસૂલી કાયદાનો ભંગ થયો છે. 19મી જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટ જે જમીન સરકારની માલિકીની હતી તેના ખોટી રીતે વેચાણ, બિનખેતીના હુકમો એ ગુનો હોવાનું નોંધ્યુ છે. તેના છ મહિના પછી પણ 60 લાખ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફ્ળ ધરાવતી 20 હજાર કરોડની જમીન શ્રી સરકાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને અનેક પ્રકારના તર્કવિતર્ક પ્રવર્તી રહ્યા છે.


