- ઇટાલીના વિજ્ઞાનીઓએ ચંદ્ર પર વસવાટ માટે યોગ્ય ગુફા શોધી કાઢી હોવાનો દાવો કર્યો
- અમેરિકાનું એપોલો 11 અભિયાન લેન્ડ થયું હતું ત્યાંથી 250 માઇલ દૂર આ ગુફા આવેલી છે
- ગુફા ઓછામાં ઓછી 40 મીટર પહોળી અને 10 મીટર અથવા તેના કરતા પણ વધારે લાંબી
ચંદ્ર પર તમામ ઉપગ્રહો અને અવકાશયાન મોકલીને દુનિયાભરના દેશો જાત-જાતના અને ભાત-ભાતના રહસ્યો ઉઘાડા પાડી રહ્યા છે. ગયા વર્ષે ઇસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચી દીધો હતો.
ચંદ્રયાન-3એ ચંદ્રની ધરતી પર પાણી, સલ્ફર સહિતની ઘણી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની તપાસ કરી હતી અને સાબિત કર્યુ હતું કે ભવિષ્યમાં ચંદ્ર માનવીય વસવાટ માટે એક યોગ્ય વિકલ્પ બની શકે છે. હવે આ જ ક્રમમાં વિજ્ઞાનીઓએ વધુ એક ખુશખબર આપ્યા છે. વિજ્ઞાનીઓએ ચંદ્ર પર માનવીના વસવાટ માટે અનુકૂળ એવી જગ્યાની જાણકારી પ્રાપ્ત કરી લીધી છે. ઇટાલીના વિજ્ઞાનીઓએ ચંદ્ર પર એક વિશાળ ગુફા શોધી કાઢી છે. આ સ્થળ 55 વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિન જે સ્થળે ચંદ્ર પર લેન્ડ થયા હતા તે જગ્યાથી થોડા અંતરે આવેલા છે. આ સ્થળ પર સેંકડો ગુફાઓ હોઇ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રના જે સ્થળે વિશાળ ગુફાની જાણકારી મળી છે ત્યાં આવી સેંકડો અન્ય ગુફાઓ હોઇ શકે છે જેમનો ઉપયોગ ભવિષ્યમાં અવકાશ યાત્રીઓના આશ્રય સ્થળના રુપમાં કરી શકાય છે. ઇટાલીના વિજ્ઞાનીઓએ સોમવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર ખાસ્સી મોટી ગુફાના પુરાવા મળ્યા છે. તે એપોલો 11ના લેન્ડિંગ સાઇટથી 250 માઇલ (400 કિલોમીટર) દૂર સીફ ઓફ ટ્રાન્ક્વિલિટીમાં આવેલી છે.
સુરંગ આકારની ગુફાઓ
આ ગુફા લાવા ટયૂબ (સુરંગની આકૃતિનું માળખું) ધરાશાયી થવાથી બની છે જે ત્યાં મળી આવેલી 200 કરતા વધારેની સંખ્યામાં રહેલી અન્ય ગુફાઓ જેવી જ છે. સંશોધકોએ નાસાના લૂનાર રિકનિસન્સ ઓર્બિટર દ્વારા એકઠા કરાયેલા રડાર આંકડાઓનું વિશ્લેષણ કર્યુ હતું અને તેના પરિણોમોની તુલના પૃથ્વી પર આવેલી લાવા ટયૂબો સાથે કરી હતી. આ અભ્યાસના તારણો નેચર એસ્ટ્રોનોમીમાં પ્રસિદ્ધ કરાયા છે. વિજ્ઞાનીઓ અનુસાર રડાના આંકડાથી ગુફાના પ્રારંભિક બિંદુની જાણકારી મળે છે. તેમના અનુમાન અનુસાર ગુફા ઓછામાં ઓછી 40 મીટર પહોળી અને 10 મીટર અથવા તેના કરતા પણ વધારે લાંબી છે.
ચંદ્રની ગુફાઓ 50 વર્ષથી રહસ્યમય
ટ્રેન્ટો યુનિવર્સિટીના લિયોનાર્ડો કેરર અને લોરેન્જો બ્રુજોને એક ઇમેલમાં લખ્યુ હતું કે ચંદ્રની ગુફાઓ 50 કરતા વધારે વર્ષોથી રહસ્ય બનેલી હતી. તેથી આખરે તેમાંની કોઇ એક વિશે જાણકારી પ્રાપ્ત કરવી ખુબ જ રોમાંચક બાબત હતી. વિજ્ઞાનીઓના અનુસાર એમ લાગે છે કે મોટાભાગની ગુફાઓ ચંદ્રના પ્રાચીન લાવા મેદાન વિસ્તારની છે. તે સિવાય ચંદ્રના દક્ષિણ ઘ્રુવ પર પણ આ પ્રકારની કેટલીક ગુફાઓ હોઇ શકે છે. જ્યાં આ દાયકાના અંત સુધીમાં નાસાના અવકાશ યાત્રીઓ ઉતરવાના છે. એમ મનાય છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવો પર બનેલા ક્રેટર્સમાં પાણી જામી ગયેલી સ્થિતિમાં છે જે પીવાની સાથે જ રોકેટના ઇંધણના રૂપમાં કામ આવી શકે છે.


