મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું આ બ્રીજનું લોકાર્પણ : ભ્રષ્ટાચારના વ્યાપક આક્ષેપો
ભાજપ સરકારમાં ઓવરબ્રીજ મામલે વ્યાપક ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થઇ રહ્યા છે. ડાકોરમાં રૂ. 70 કરોડના ખર્ચે બનેલ ફલાયઓવર માત્ર ત્રણ મહિનામાં જ બિસ્માર થઇ ગયો છે. આ ઓવરબ્રીજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરીયાદો ઉઠી છે. આ ઓવરબ્રીજના ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદ્દઘાટન થયું હતું. માત્ર ત્રણ માસમાં ઓવરબ્રીજ બિસ્માર થઇ જતા લોકોમાં રોષની લાગણી ફેલાણી છે.
અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે, ડાકોર બાયપાસ રોડ પર ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના રસ્તા ઉપર રૂ.૭૦ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ફ્લાયઓવર બ્રિજમાં ત્રણ મહિનામાં જ લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગલ્ય બિલ્ડકોન એજન્સીને ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે માત્ર ત્રણ મહિનામાં જ ફ્લાયઓવરમાં સમારકામની જરૂરિયાત ઉભી થતાં બ્રિજ નિર્માણની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
ડાકોરમાં ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના ત્રણ રસ્તા ઉપર રૂ.૭૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.૮ માર્ચ ૨૦૨૪ના રોજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વર્ષે ૨૦૨૦માં માંગલ્ય બિલ્ડકોન નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જેનું તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. એજન્સીએ ૧૮ મહિનામાં કામ પૂર્ણ કરવાનું હતું, જેના બદલે ૩૨ મહિના બાદ | ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયું હતું. માર્ચ મહિનામાં વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાયેલા ફ્લાયઓવર બ્રિજ ઉપર જુલાઈ માસમાં લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો. જેનું સમારકામ માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ માંગલ્ય બિલ્ડકોન એજન્સીએ કરાવ્યું છે. નોંધનીય છે કે, ૧૮ મહિનાના બદલે ૪૮ મહિના થઈ ગયા હોવા છતાં ફ્લાયઓવરનું કામ પૂર્ણ થયું નથી. બે વર્ષ પહેલા સર્વિસ રોડ માટે રૂ.૪૨ લાખ લઈ લીધા હોવા છતાં અત્યારસુધી સર્વિસરોડનું કામ પૂર્ણ થયું નથી. પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓની મીલીભગતથી બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા લોકોમાં સેવાઈ રહી છે.


