- ગીરસોમનાથના વેરાવળમાં 4.5 ઈંચ વરસાદ
- ખાંભા અને કલ્યાણપુરમાં 3.5 ઈંચ વરસાદ
- માણાવદર, સિહોર, ગીરગઢડામાં 2.5 ઈંચ વરસાદ
રાજ્યમાં આજે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે ખાંભા અને દ્વારકાના કલ્યાણપુરમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય પોરબંદર અને વંથલીમાં 3 ઈંચ અને માણાવદર, સિહોર અને ગીર ગઢડામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની
ગીરસોમનાથમાં ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે અને જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. માધુપુર ગામના રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા છે. ત્યારે તાલાલાની હીરણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ત્યારે પોરબંદરના કુતિયાણા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સારણ ડેમ ઓવરફ્લો થયો છે અને તેના કારણે ડેમના 10 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમના પાણી છોડાતા નદીઓ પણ ગાંડીતૂર બની છે.
રાજ્યના 206 જળાશયોમાં 35 ટકાથી વધુનો જળસંગ્રહ
જળ સંપતિ વિભાગે અહેવાલમાં જણાવાયું કે રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાએ પહોંચ્યો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નિગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.
ધોધમાર વરસાદ વરસતા તાલાલાના સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી
ગીરસોમનાથમાં મેઘો મહેરબાન થયો છે, તાલાલા પંથકમાં ભારે વરસાદ વરસતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હતા, આકોલવાડી, માધુપુર, સુરવામાં વરસાદ થતા ખેતરોમાં પણ પાણી ભરાયા હતા,જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતુ.તાલાલાથી આકોલવાડીને જોડતો સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.


