- સર્કલ પાસે મળી આવેલ મૃતક મહેસાણા પંથકનો શ્રમિક હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું
- કેનાલમાંથી મળેલી લાશની ઓળખ કરવા વધુ કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે
- પોલીસ અને ફાયરની ટીમે લાશને બહાર કાઢી સરકારી દવાખાને પીએમ માટે મોકલી હતી
ધ્રાંગધ્રા કેમીકલ્સ વર્કસ સર્કલ પાસે અને હરીપર ગામની કેનાલમાંથી પુરૂષની લાશ મળી આવી હતી. જેમાં ડીસીડબલ્યુ સર્કલ પાસે મૃતક યુવાન મહેસાણા પંથકનો હોવાનું સામે આવ્યુ છે. જયારે કેનાલમાંથી મળી આવેલ લાશની પોલીસ તપાસ કરી રહી છે.
ધ્રાંગધ્રાના ડીસીડબલ્યુ સર્કલ પાસે એક અજાણ્યો પુરૂષ નશાની હાલતમાં સુતો હોય તેમ રાહદારીઓને લાગતુ હતુ. પરંતુ લાંબો સમય થવા છતાં કોઈ હલનચલન નહી થતા 108ને જાણ કરાઈ હતી. જેમાં 108 દ્વારા અજાણ્યા પુરૂષને સરકારી દવાખાને લઈ જવાતા ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો. ધ્રાંગધ્રા પોલીસે દોડી જઈ તપાસ કરતા મૃતક મહેસાણા પંથકનો અને ધ્રાંગધ્રામાં મજુરી કામ અર્થે આવેલો અર્જુન ચૌહાણ હોવાની વિગતો સામે આવી હતી. હાલ અમોત નોંધીને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બીજી તરફ ધ્રાંગધ્રાના હરીપર પાસેની કેનાલમાં કોઈ પુરૂષની લાશ તરતી હોવાની જાણ સ્થાનીકોએ પોલીસને કરી હતી. આથી પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને લાશને બહાર કાઢી સરકારી દવાખાને પીએમ માટે મોકલી હતી. મૃતકની ઓળખ કરવા વધુ કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે.


