- પોરબંદર જિલ્લામાં 48 કલાકમાં 30 ઈંચ વરસાદ ખાબક્યો
- કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ સ્થિતિનો મેળવ્યો તાગ
- વરસાદના કારણે પાણી ભરાતા લોકોના વાહન-ઘરવખરીને નુકસાન
સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે અને અનેક જગ્યાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં તો જાણે કે વરસાદી તાંડવ સર્જાયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં 30 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યુ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો
ત્યારે આ સમગ્ર ઘટના અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે પોરબંદરમાં થયેલી નુકસાની પર ચર્ચાઓ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે વરસાદના પગલે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના વાહન અને ઘરવખરી પુરી રીતે નષ્ટ થઈ ગયા છે અને પોરબંદરમાં છેલ્લા 48 કલાકમાં 30 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ
દ્વારકામાં ભારે વરસાદને પગલે ભાટિયા ભોગાત હાઈવે પર પાણી ભરાયા છે અને આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. જો કે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોએ પાણીના નિકાલ માટે જેસીબી વાહનોની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે અને જગતનો તાત મોટી ચિંતામાં મુકાયો છે.
જૂનાગઢનું નરસિંહ તળાવ થયું ઓવરફલો
જૂનાગઢમાં ભારે વરસાદ વરસતા નરસિંહ મહેતા તળાવ ઓવરફલો થયું હતુ, જેના કારણે ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, અંડરબ્રિજમાં પાણી ભરાતા કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી તો કાર ચાલક કાર મૂકીને બહાર નીકળી ગયો હતો. જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીમાં છલીને ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે.


