- અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- હવે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની રેસમાં
- ડોનાલ્ડ ટ્રમ્પની ગોળીબારકાંડ બાદ લોકપ્રિયતામાં સતત વધારો
જગત જમાદાર અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસનું ઉમેદવાર બનવું એકદમ નક્કી મનાઈ રહ્યું છે. શુક્રવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાર્ટીના નેતા બરાક ઓબામા તેમજ તેઓના પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસના નામ પર મ્હોર મારી જાહેરમાં સમર્થન આપ્યું હતું. બાદ હવે રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરવું એકદમ નક્કી થયું છે.
હેરિસના સમર્થનમાં ઓબામા અને મિશેલએ એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો છે. આમાં તેઓએ કહ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં અમે કમલા હેરિસને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ અમેરિકાના એક મોટા રાષ્ટ્રપતિ બનશે. તેમને અમારો પૂરો ટેકો છે. ઓબામા અને મિશેલની તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર માટે સમર્થન કર્યા પછી કમલા હેરિસે સોશિયલ મીડિયા પોસ્ટ કરી બંનેનો આભાર માન્યો હતો.
બાઈડેન ચૂંટણી રેસમાંથી ખસી ગયા
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને તાજેતરમાં જાતે જ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી પાછળ હટી ગયા હતા. પોતાના ડગલા પાછળ ખેંચી લીધા બાદ બાઈડેને કમલા હેરિસનું નામ આગળ વધાર્યું હતું. બાઈડેને કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી હટવા અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી હેરિસની ઉમેદવારીનું સમર્થન કરવો અને તેના નિર્ણયનો ઉદ્દેશ્ય દેશને એકજૂથ કરવા નવી પેઢીને જવાબદારી સોંપવાનો છે.
બાઈડેને ચૂંટણી રેસમાંથી હટાનું કારણ
જો બાઈડેને બુધવારે રાષ્ટ્રના નામ સંબોધનમાં કહ્યું કે તેમને અમેરિકી લોકતંત્રને બચવા માટે પોતાના 2024ના ચૂંટણી પ્રચાર અભિયાનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આગળ વધવાની સૌથી સારી પદ્ધતિ એ છે કે કમાન નવી પેઢીને સોંપી દેવામાં આવે. આ આપણા દેશને એકજૂથ કરવાની પદ્ધતિ છે. તેમને કહ્યું કે હું રાષ્ટ્રપતિ કાર્યાલયનું સન્માન કરું છું પરંતુ તેમને પોતાના
દેશથી વધુ પ્રેમ છે.
અમેરિકામાં પાંચમી નવેમ્બરે ચૂંટણી યોજાશે
અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. એક બાજું ડોનાલ્ડ ટ્રમ્પ જે તાબડતોબ સભાઓ ગજવી રહ્યા છે અને ડેમોક્રેટિકને પડકાર આપી રહ્યા છે. ગોળીકાંડ પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં વધારો જોવા મળ્યો છે. હવે જો ટ્રમ્પની આગળ કમલા હેરિસ મેદાનમાં ઉતરશે તો તેની માટે મોટો પડકાર મનાશે.


