- 88 લાભાર્થીઓને રૂ. 35 લાખથી વધુની લોન અપાઈ
- જરૂરિયાતમંદ લોકોને વ્યાજે પૈસા ન લેવા પડે તે માટે પોલીસ દ્વારા લોનમેળો યોજાયો
- જિલ્લામાં વ્યાજની બદીએ માઝા મુકી છે. વ્યાજખોરોના ત્રાસથી અનેક પરીવારો બેહાલ થયા છે
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજની બદીને ડામવા પોલીસે એક તક પોલીસને કાર્યક્રમો કર્યા હતા. ત્યારે છેલ્લા એક માસમાં જ વ્યાજના 28 વરૂઓ સામે જિલ્લામાં 10 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ જરૂરિયાતમંદ લોકોને વ્યાજે પૈસા ન લેવા પડે અને તેઓને લોન મળે તે માટે પોલીસ દ્વારા ગુરૂવારે લોનમેળાનું આયોજન કરાયુ હતુ. આ તકે રેંજ આઈજી, એસપી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં વ્યાજની બદીએ માઝા મુકી છે. વ્યાજખોરોના ત્રાસથી અનેક પરીવારો બેહાલ થયા છે. વ્યાજે રૂપીયા લેનાર વ્યકતી વ્યાજના વમળમાંથી બહાર જ નીકળી શકતો નથી. ત્યારે રેંજ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનથી એસપી ડો. ગીરીશ પંડયા દ્વારા જિલ્લાભરમાં એક તક પોલીસને કાર્યક્રમ યોજી વ્યાજખોરો સામે મુકત મને ફરિયાદ કરવા ભોગ બનનારને આગળ આવવા આહવાન કરાયુ હતુ. જેમાં જિલ્લામાં તા. ગત તા. 21મી જુનથી અત્યાર સુધીમાં જિલ્લાના 8 પોલીસ મથકે 28 વ્યાજખોરો સામે નાણાં ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ કેસમાં 20 આરોપીઓ પકડાયા છે જયારે 8 હજુ પોલીસ પકડથી દુર છે. બીજી તરફ જરૂરિયાતમંદ વ્યક્તિઓને લોન મળે તો તેઓને વ્યાજે પૈસા લેવા ન જવુ પડે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા ગુરૂવારે લોનમેળાનું આયોજન કરાયુ હતુ. આ તકે રેંજ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા, બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 88 લાભાર્થીઓને 35,54,782ની લોન અપાઈ હતી.


