- પોલીસે 7 માસથી ફરાર સોનગઢના શખ્સને ઝડપી લીધો
- વર્ષ 2023માં અભેપરમાં બનેલ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
- ખનીજની ટીમ પર પથ્થરમારો થતા સીકયુરીટીને બે રાઉન્ડ ફાયરીંગ કરવા પડયા હતા
થાન તાલુકાના અભેપર ગામે ગત ડિસેમ્બર 2023માં ખાણ ખનીજની ટીમે ગેરકાયદેસર ખનન અંગે રેડ કરી હતી. જેમાં ખાણ ખનીજની ટીમ પર પથ્થરમારો થતા સીકયુરીટીને બે રાઉન્ડ ફાયરીંગ કરવા પડયા હતા. આ બનાવનો ફરાર આરોપી થાન પોલીસે 7 માસ બાદ પકડી લીધો છે.
સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ અધિકારી નીરવ બારોટની સુચનાથી સ્ટાફે તા. 12-12-2023ના રોજ રાત્રે અભેપર ગામની સીમમાં ગેરકાયદેસર ખનન અંગે રેડ કરી હતી. જેમાં હીટાચી અને બે ડમ્પર દ્વારા ખનીજચોરી થતી હોવાથી ટીમે બંધ કરાવી હતી. આ સમયે એકઠા થયેલા લોકોના ટોળાએ તંત્રની ટીમને ભગાડવા પથ્થરમારો કર્યો હતો. જેમાં ખાણ ખનીજના સીકયુરીટી મેનને ફાયરીંગ કરવુ પડયુ હતુ. આ બનાવની થાન પોલીસ મથકે મારામારી, ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ સાથે સાથે ખાણ ખનીજના કર્મીએ રૂપિયા 2.50 કરોડની ખનીજ ચોરીની પણ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરાર આરોપી સોનગઢનો સંગ્રામ ઉર્ફે ગોબર વાઘાભાઈ રંગપરા કાર લઈને પસાર થવાનો હોવાની બાતમી મળતા પીઆઈ વી.કે.ખાંટ સહિતનાઓએ વોચ રાખી હતી. અને 7 માસથી ફરાર આરોપી 39 વર્ષીય સંગ્રામ રંગપરાને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.


