- ચૂંટણી પરિષદ દ્વારા માદુરોની જીત જાહેર
- વિપક્ષના ઉમેદવારને 73.2 ટકા વોટ મળ્યા
- માદુરોની જીતથી નારાજ લોકોનો વિરોધ
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી ત્યાંના નાગરિકો દેખાવો કરી રહ્યા છે. ચૂંટણી પરિષદ દ્વારા માદુરોની જીત જાહેર કરવામાં આવી છે. જેનાથી લોકો નારાજ છે અને વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વિપક્ષના ઉમેદવારને 73.2 ટકા વોટ મળ્યા છે. લોકો રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહ્યા છે.
હજારોની ભીડ રાષ્ટ્રપતિ મહેલ તરફ આગળ વધી રહી છે
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં મોટા પાયે પ્રદર્શન જોવા મળી રહ્યા છે. હજારોની ભીડ રાષ્ટ્રપતિ મહેલ તરફ આગળ વધી રહી છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના ચૂંટણીમાં જીતના દાવા સામે લોકો વિરોધ કરી રહ્યા છે. 28 જુલાઈના રોજ, નિકોલસ માદુરોને વેનેઝુએલાની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મોડીરાત્રે, રાષ્ટ્રીય ચૂંટણી પરિષદે જણાવ્યું હતું કે માદુરોએ મુખ્ય વિરોધ પક્ષના ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝને હરાવીને 51 ટકા મતથી જીત મેળવી છે. યુએસએ સોમવારે કહ્યું કે મદુરાઉની જીતની કોઈ વિશ્વસનીયતા નથી. અન્ય લોકોએ સોશિયલ મીડિયા પર ‘કિલ ધ ડિક્ટેટર’ કેપ્શન સાથે ભીડની તસવીરો શેર કરી. એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિના મહેલની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સૈન્ય કાફલો આગળ વધતો જોવા મળ્યો હતો. વેનેઝુએલાની રાજધાનીમાં માદુરોએ વિજયનો દાવો કર્યાના બીજા દિવસે વિરોધ ફાટી નીકળ્યો હતો, જેમાં પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો. વિપક્ષે માદુરોની જીતની ઘોષણાને છેતરપિંડી તરીકે નકારી કાઢી અને કહ્યું કે તેના ઉમેદવાર એડમન્ડો ગોઝાલેઝને 73.2 ટકા મત મેળવ્યા છે.
જનતા માદુરોથી કેમ નારાજ છે?
ચૂંટણી પહેલા ઓપિનિયન પોલમાં એડમન્ડ્સની સ્પષ્ટ જીતની આગાહી કરવામાં આવી હતી. દેશના આર્થિક સંકટને લઈને લોકોમાં અસંતોષ છે. માદુરો 11 વર્ષથી સત્તામાં છે, અને વિપક્ષી દળોએ તેમને હટાવવા માટે ગોન્ઝાલેઝ સાથે જોડાણ કર્યું છે. કેટલાક પશ્ચિમી અને લેટિન અમેરિકન દેશો તેમજ સંયુક્ત રાષ્ટ્ર સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ વેનેઝુએલાના સત્તાવાળાઓને દરેક મતદાન મથકના મતદાનના રેકોર્ડ જાહેર કરવા હાકલ કરી છે.
લોકોએ શું કહ્યું?
ફૂટેજમાં કારાકાસના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. વિરોધીઓ દ્વારા ટાયર સળગાવવામાં આવી રહ્યા છે. લોકોને રાષ્ટ્રપતિ ભવન તરફ જતા રોકવા માટે પોલીસ મોટરબાઈક પર ટીયર ગેસ છોડી રહી છે. માદુરો તરફી અર્ધલશ્કરી દળો પણ ભેગા થઈ રહ્યા છે. પ્રદર્શનમાં ભાગ લેનાર 41 વર્ષીય પાઓલા સરઝાલેજોએ જણાવ્યું હતું કે મતદાનમાં ભયંકર છેતરપિંડી થઈ હતી. અમે અમારા યુવાનો અને દેશ માટે સારું ભવિષ્ય ઈચ્છીએ છીએ. માદુરો ચૂંટણી હારી ગયા છે, તેમને રાષ્ટ્રપતિ મહેલમાં રહેવાનો કોઈ અધિકાર નથી.


