- પૂરક પરીક્ષા બાદ 1,531 વિદ્યાર્થીના મેરિટમાં માર્કસ વધ્યા, 647 મેરિટમાં આવ્યા
- ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશના બીજા રાઉન્ડ માટે 8મી સુધી ચોઇસ આપી શકાશે
- બીજા રાઉન્ડ માટે 2,214 જેટલા વિદ્યાર્થીઓએ નવુ રજિસ્ટ્રેશન કરાવ્યું
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરી છે. નવું રજિસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓનો બીજા રાઉન્ડના મેરિટમાં સમાવેશ થતાં કુલ સંખ્યા 42,518એ પહોંચી છે.
બીજા રાઉન્ડ માટે આગામી તા.8મી ઓગસ્ટ સુધી ચોઇસ આપી શકશે અને 12મીના રોજ પરિણામ જાહેર થશે. બીજા રાઉન્ડના મેરિટમાં પૂરક પરીક્ષા પાસ કરનાર 37 વિદ્યાર્થી મેરિટના ટોપ એક હજાર વિદ્યાર્થીઓમાં આવ્યાં છે. એટલું જ નહીં, પૂરક પરીક્ષા બાદ 1,531 વિદ્યાર્થીઓના મેરીટમાં માર્કસ વધ્યા છે જ્યારે 647 વિદ્યાર્થીઓનો પૂરક પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટમાં સમાવેશ થયો છે.
ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થઈ છે. એ પછી બીજો રાઉન્ડ શરૂ થાય એ પહેલાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા તેમજ પ્રવેશથી વંચિત માટે નવું રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. બીજા રાઉન્ડ પહેલા અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ નાં હોય એેવા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી તા.29 જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન 2,214 જેટલા વિદ્યાર્થીઓએ નવુ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી નવું રજિસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીઓને ચોઈસ માટે વધુ સમય ઉપલબ્ધ થઈ શકે એ માટે નવી મેરિટ યાદી જાહેર કરાઈ છે. અગાઉ ઈજનેરીમાં પ્રવેશ માટે કુલ 42,646 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં 40,424 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરાયો હતો. નવા રજિસ્ટ્રેશન બાદ અને અગાઉ રજિસ્ટ્રેશન કરેલ હોય અને પુરક પરીક્ષાથી પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ સાથે નવા 2,094 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ કરાયો છે. આમ ઈજનેરીમાં કુલ 42,518 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે, ડિગ્રી ઈજનેરીના પ્રથમ રાઉન્ડમાં કુલ 22,847 વિદ્યાર્થીઓેએ પ્રવેશ કન્ફર્મ કરાવતાં 34,809 બેઠક ખાલી પડી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા ડિગ્રી ઈજનેરીની કુલ 57,656 બેઠક સામે પ્રથમ રાઉન્ડમાં કુલ 31,527 બેઠકમાં પ્રવેશ ફાળવાયો હતો.


