- શેખ હસીનાના બેડરૂમમાં ઘૂસી ભીડ
- ગૃહમંત્રીના ઘરમાં પણ તોડફોડ કરી
- જાણો શું લૂંટીને લઈ ગયા વિરોધીઓ
બાંગ્લાદેશમાં ગઈકાલે લોહિયાળ હિંસા શરૂ થયા બાદ આજે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સેના અને સત્તાધારી પક્ષનાં કાર્યકરો સાથે વિદ્યાર્થી દેખાવકારો વચ્ચે અથડાણ માત્ર રસ્તા પર જ થઈ રહ્યું હતું, જોકે હવે સ્થિતિ છેક વડાપ્રધાન શેખ હસીના (PM Sheikh Hasina), ગૃહમંત્રીના સરકારી નિવાસસ્થાનો અને પાર્લામેન્ટમાં પ્રવેશ કરી લીધો છે અને આ બંને નિવાસસ્થાનોમાં દેખાવકારોએ ભારે તોડફોડ મચાવી દીધી છે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હજારો દેખાવકારો તેમના સરકારી નિવાસસ્થાનમાં તોડફોડ કરી રહ્યા છે. એટલું જ નહીં ગૃહમંત્રીના નિવાસસ્થાને પણ ભારે તોડફોડ મચાવી દીધી છે. આ ઉપરાંત ઢાકામાં વડાપ્રધાનની પાર્ટી અવામી લીગની ઓફિસમાં પણ આગ લગાવી છે.
ખુરશીઓ, મેકઅપનો સામાન, ડબ્બાની લૂંટ કરી
વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને જતા હોવાના અહેવાલો મળ્યા બાદ દેખાવકારો બેકાબૂ બની ગયા હતા. હજારોની સંખ્યામાં વડાપ્રધાનના ઘરમાં પહોંચી તોડફોડ મચાવી રહ્યા છે. આમાંથી ઘણા લોકો શેખ હસીનાના બેડરૂમમાં પહોંચી ગયા હતા. અને મેકઅપનો સામાન લૂંટી લીધો હતો, તો કેટલાક ખુરશી અને ડબ્બાઓ ઉઠાવી ગયા છે. એટલું જ નહીં દેખાવકારો તેમના બેડ પર બેસીને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. કેટલાક તેમની તિજોરી તોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે બપોરે 2.30 કલાકે દેશ છોડી દીધું હતો અને તેઓ સેનાના હેલિકોપ્ટરમાં ભારત પહોંચી ગયા છે.
દેખાવકારોએ ગૃહમંત્રીના ઘરમાં લગાવી આગ લગાવી
દેખાવકારોએ વડાપ્રધાનના નિવાસસ્થાને તોડફોડ મચાવ્યા બાદ ગૃહમંત્રી અસદુજ્જમાં ખાન (Home Minister Asaduzzaman Khan)ના નિવાસસ્થાને પણ ભારે તોડફોડ કરી હતી. ખુરશીઓ ઉઠાવીને ફેંકી દીધી હતી. એટલું જ નહીં આગ ચાપવાનો પણ પ્રયાસ કરાયો હતો. દેખાવકારોએ કહ્યું કે, હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ દરવાજો તોડી મંત્રીના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. થોડીવાર બાદ તેમાંથી ધુમાળો નિકળતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત દેખાવકારોએ મંત્રીઓ, નેતાઓ અને ઢાકામાં અવામી લીગની ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. હાલ દેશમાં તંગ સ્થિતિ જોતા મોટાભાગના નેતાઓ પોતાનો જીવ બચાવવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


